ભાવનગર ખાતે મૂકબધિર દિકરીઓના દાંડિયા રાસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણ મંત્રી

118

સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શક્તિ-સામર્થ્ય મૂકબધીરમાં ઇશ્વરે મૂક્યું છે : સમાજમાં જેની પાસે છે તેવાં લોકો આવાં બાળકો માટે આગળ આવે તે આજના સમયની નિતાંત આવશ્યકતા
બાપા સીતારામ ક્રેડિટ સોસાયટી દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ – સરદારનગર, ભાવનગર ખાતે મૂકબધીર દીકરીઓના દાંડિયારાસના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહી નાની બાળકીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શકિત-સામર્થ્ય મૂકબધીરમાં ઇશ્વરે મૂક્યું છે. ઇશ્વર જ્યારે એક શક્તિ છીનવી લે છે ત્યારે અન્ય સ્વરૂપે તેમાં વધુ સામર્થ્ય પણ આપે છે.
આજે તેમના દ્વારા જે અદભૂત રીતે દાંડિયા રાસ કરવામાં આવ્યાં છે તે ખરેખર સરાહનીય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ’મૂક બધીર’ બાળકોના સદૈવ સમર્પિતભાવ સાથે પાલક બની, નિરાશ થયાં વિના જીવવાની પ્રેરણા પૂરી પાડીને જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું ઉત્તમ સેવાકીય કાર્ય બાપા સીતારામ ક્રેડિટ સોસાયટી દ્વારા થતું રહ્યું છે તે આનંદની વાત છે. બાપા સીતારામ ક્રેડિત સોસાયટીનું આ કાર્ય અન્યો માટે પણ પ્રેરણાદાયી છે. દાંડિયા રાસ રમાડવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અનુભવ મારા માટે પણ અત્યંત હર્ષની લાગણીનો તથા હ્રદયસ્પર્શી બની રહ્યો છે તેમ તેમણે આ બાળકોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું. આ દીકરીઓનું માઁ ભગવતી સદાય કલ્યાણ કરે અને તેમના દરેક મનોરથ પરિપૂર્ણ થાય તેવી વાંચ્છના પણ તેમણે ચરણોમાં કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, જેની પર કુદરત મહેરબાન છે તેવાં સમાજના લોકો માનવતાનો ધર્મ નિભાવીને જરૂરિયાતમંદોનું દુઃખ-દારિદ્ર દૂર કરવાનો પ્રયાસ કરે તો જ આપણું માનવજીવન સાર્થક થયેલું ગણાશે. રાજ્ય સરકાર અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ સમાજે સહિયારા પ્રયાસોથી સર્વત્ર સંતુલિત વિકાસ કરીને સૌહાદપૂર્ણ સમાજનું નિર્માણ કર્યું છે, ત્યારે આવા સુંદર આયોજન માટે તેમણે આયોજક અનિલભાઈ અને બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના વિચારકોને અભિનંદન પાઠવ્યાં હતાં.