‘તૌકતે’ વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર એલર્ટ

1417

સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકાવાર લાયઝનિંગ અધિકારીની નિમણૂક કરાઈ
આગામી તા.૧૮-૫-૨૦૨૧ સુધી હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલ છે.
જેના સંદર્ભે ભાવનગર જિલ્લામાં કોવિડ પ્રોટોકોલ સાથે સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવાં જરૂરી છે.આગામી દિવસોમાં ડિપ્રેશનની અસર ભાવનગર જિલ્લાને અસર કરશે તો તેના કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા ધરાવતા ૪ તાલુકાઓ ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, મહુવા અને તળાજાના કુલ ૩૪ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા અને સઘન મોનીટરીંગ માટે તાલુકાવાર અધિકારીઓની લાયઝનિંગ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.જેમાં મહુવા તાલુકામાં પ્રાંત અધિકારી- મહુવા, તળાજા તાલુકામાં પ્રાંત અધિકારી તળાજા, ભાવનગર ગ્રામ્ય તાલુકામાં પ્રાંત અધિકારી- ભાવનગર અને ઘોઘા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભાવનગરની લાયઝનિંગ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.આ નિયુક્ત લાયઝનિંગ અધિકારીઓ દ્વારા સઘન મોનીટરીંગ કરવાનું ચાલું કરશે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારો પર રૂબરૂ મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવશે. વધુમાં, હાલ ફેલાયેલ કોરોના વાયરસના સંક્રમણ અટકાયતના ભાગરૂપે રાજ્ય સરકારની કોવિડ-૧૯ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

તૌકતેના સંકટથી સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત : કેરી, તલ, અડદ, મગ, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ
એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, તો બીજી તરફ અત્યારે ગુજરાત માથે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળઆઇ રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૮ મેના દિવસે તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે અથડાશે. આ સિવાય આ વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલામાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. વાવાઝોડાને પગલે અત્યારે તંત્ર એલર્ટ પર છે અને આ સંકટ સામે લડવાની તૈયારી કરી રહ્યું છે. તો બીજા તરફ રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે ખેતરોમાં ઉનાળું પાક ઉભો છે. ખેડૂતોએ તલ, અડદ, મગ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યુ છે. આ પાક પણ અત્યારે ફાલ પર આવી ગયા છે. તેવામાં જો વરસાદ આવશે તો આ પાકોને વ્યાપક નુકસાન થશે અને આ પાક સંપૂર્ણ નિષ્ફળ જશે તેવી સંભાવના રહેલી છે. જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે વાવાઝોડા ડરના પગલે ખેડૂતોએ પાકની લણણી કરવાની શરુઆત કરી દીધી છે. તો આ તરફ હજું કેરીનો પાક પણ ઉભો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચારથી પાંચ વખત માવઠું આવી ગયું છે, જમાં કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યારે હજુ જે થોડી ઘણી કેરીઓ બચી છે તેના પર હવે વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે. જેથી કેરીના પાકની પણ ખેડૂતોએ લણણી શરુ કરી દીધી છે.