મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૧૬ થી ૧૮ મે સુધી તમામ જણસી તેમજ ડુંગળી વેચાણ બંધ

1606

ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા હવામાન વિભાગ દ્વારા ૧૬ મે થી ૧૮ મે દરમ્યાન સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળી લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને ૧૬ મે રવિવારથી ૧૮ મે મંગળવાર સુધી યાર્ડમાં તમામ જણસી તેમજ ડુંગળી લાવવા અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સંભવિત વાવાઝોડાના પગલે ભાવનગર ડીઝાસ્ટર ટીમ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં લો-પ્રેસરના કારણે આગામી ૧૬ મે થી ૧૮ મે દરમ્યાન સંભવિત ’તૌકતે’ વાવાઝોડું નામનું વાવાઝોડું ત્રાટકવાની સંભવનાને લઈને તંત્ર દ્વારા દરિયાકિનારા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ જો વાવાઝોડું ત્રાટકે તો તેને કારણે કોઈ મોટી નુકશાની ના થાય તે માટે તંત્ર દ્વારા પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી વેચાણ અર્થે લાવતા ખેડૂતો તેમજ વેપારીઓ માટે આગાહીના પગલે ૧૬ મેને રવિવારથી લઇ ૧૮ મેને મંગળવાર સુધી માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી તેમજ ડુંગળી લાવવા તેમજ વેચાણ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યું છે તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવાના સક્રેટરી વી.પી.પાંચણીએ જણાવ્યું હતું.
સાગરખેડૂઓને દરિયો ન ખેડવા આદેશો આપવામાં આવ્યાં
ઉપરાંત દરિયા કિનારે વસતાં લોકોને સતકૅ કરવામાં આવ્યાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના તળાજા, મહુવા તાલુકામાં તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરાંત મહુવાના દરિયા કિનારે વસતાં વસાહતી વિસ્તારોમાં રીક્ષા દ્વારા એનાઉન્સમેન્ટ કરી સંભવિત વાવાઝોડા ના ખતરા સંદર્ભે સતકૅ કરવામાં આવ્યા છે. ઘોઘા, હાથબ, સરતાનપર, કતપર સહિતના માછીમારી કરતાં ગામડાઓમાં સાગરખેડૂઓને દરિયો ન ખેડવા આદેશો આપવામાં આવ્યાં છે. આવનાર વાવાઝોડાને લઈને તંત્ર સાબદુ થયું છે. લોકોમાં પણ છેલ્લા બે દિવસથી ચક્રવાત ટૌકતેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
ઘોઘા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું
હાલમાં અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવાઝોડું “ટૌકતે”ની વ્યાપક અસરો ભાવનગર શહેરમાં જોવા મળી રહી છે. સવારથી જ અવકાશ વાદળ આચ્છાદિત બનવા સાથે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ ચક્રવાત ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે કે કેમ તે બાબત હજુ સુધી સ્પષ્ટ થવા પામી નથી. પરંતુ સંભવિત ખતરાને સરકાર-તંત્ર બિલકુલ હળવાશથી લેવાનાં મૂડમાં નથી. આથી ઘોઘા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.