મંત્રી વિભાવરીબેને કંટ્રોલ રૂમમાં ર૪ કલાક વાવાઝોડાની કામગીરીની નિગરાની રાખી

751

મંત્રી વિભાવરીબેન દવેએ દરિયાકાંઠાના મહુવા, ઘોઘા,તળાજા અને ભાવનગર ગ્રામ્ય સહિત અન્ય તાલુકાઓમાં વાવાઝોડાથી થયેલ અસર અંગે જાણકારી મેળવી શહેર જિલ્લામાં જનજીવન પુનઃ ધબકતું થાય તે માટે તેઓએ જિલ્લા અને તાલુકાના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાવાઝોડાના કારણે નાશ પામેલ કાચા, પાકા ઝૂંપડા ,મકાનોને થયેલ નુકશાન,ખેડૂતોને થયેલ પાક નુકશાન અંગે સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય ઝડપભેર મળે તે દિશામાં સત્વરે કામગીરી હાથ ધરવા અધિકારીઓને જણાવ્યું હતું.
તેમણે આશ્રય સ્થાનોમાં આશ્રય લેતા લોકોને આરોગ્ય સુવિધા સહિત તેમને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તેની ઉચિત કાળજી લેવા પણ જણાવ્યું હતું.કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે, વાવાઝોડાને કારણે જિલ્લામાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, એવા ગામડાઓમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર જિલ્લામાં રસ્તા પર પડી ગયેલ ઝાડ હટાવવાની કામગીરી પણ થઈ રહી છે. જિલ્લાના મુખ્ય તમામ માર્ગો કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
પ્રશાસન દ્વારા જિલ્લાના તમામ ગામોનો સંપર્ક કરી ગામડાઓમાં પરિસ્થિતિની જાણકારી મેળવવામાં આવી છે.જેથી જો ક્યાંય મુશ્કેલી હોય તો સત્વરે મદદ કરી શકાય. જિલ્લાના ગામડાઓમાં પાણી પુરવઠો ખોરવાય નહિ તેની પણ કામગીરી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલે જણાવ્યું કે, જિલ્લા ગામડાઓમાં લોકોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમ ખાતે મંત્રી સાથે નિવાસી અધિક કલેકટર બી.જે. પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ધર્મેશ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.