૨૧ જૂનથી દેશમાં ૧૮ વર્ષથી વધુના તમામને મફતમાં વેક્સિન લગાવાશે

587

(સં.સ.સે.) નવી દિલ્હી, તા. ૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ એટલે કે ૨૧ જૂનથી દેશમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં વેક્સિન લગાવવામાં આવશે. પીએમ મોદીએ જાહેરાત કરી કે, રાજ્યો પાસેથી વેક્સિનેશનનું કામ પાછું લેવામાં આવશે અને હવે કેન્દ્ર સરકાર જ આ કામ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશની કોઇપણ રાજ્ય સરકારને વેક્સિન પાછળ કોઇ ખર્ચ કરવો પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત વેક્સિન મળી છે, હવે ૧૮ વર્ષથી ઉંમરના લોકો પણ આની સાથે જોડાઇ જશે. તમામ દેશવાસીઓને ભારત સરકાર મફત વેક્સિન ઉપલબ્ધ કરાવશે. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં બની રહેલી વેક્સિનમાંથી ૨૫ ટકા, પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો સીધી લઇ શકે, તે વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઇવેટ હોસ્પિટલ, વેક્સિનની નક્કી કિંમત ઉપરાંત એક ડોઝ પર વધુમાં વધુ ૧૫૦ રૂપિયા જ સર્વિસ ચાર્જ લઇ શકશે. જેની દેખરેખનું કામ રાજ્ય સરકારનું જ રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં કહ્યું કે, આજે પણ દેશ આની સામે લડી રહ્યો છે. અમે પાછલા કેટલાક દિવસોમાં કોરોનાની બીજી લહેરની પીક જોઇ, જેમાં અમે મોટી સંખ્યામાં લોકોને ગુમાવ્યા છે. ઝડપથી મેડિકલ ઓક્સિજનની માંગ વધી હતી, જેના સપ્લાય માટે સેનાને પણ લગાવવામાં આવી. વિદેશોમાંથી પણ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી.
મોદીએ કહ્યું હતું કે, કોરોના વિશ્વમાં છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી છે. આવા સંકટનો સામનો છેલ્લા ૧૦૦ વર્ષમાં વિશ્વએ ક્યારેય કર્યો નથી. અમે દરેક આશંકાને દૂર કરતા ભારતે ૧ વર્ષની અંદર એક નહીં પરંતુ બે મેક ઈન ઈન્ડિયા વેક્સિન લોન્ચ કરી.
આપણા દેશે, વૈજ્ઞાનિકોએ દેખાડી દીધુ કે ભારત મોટા-મોટા દેશથી પાછળ નથી. આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દેશમાં ૨૩ કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૧૪માં વેક્સિનેશનનું કવરેજ માત્ર ૬૦ ટકા હતુ, જો આ ગતિથિ આગળ ચાલત તો દેશમાં રસીકરણમાં ૪૦ વર્ષ લાગી જાત. અમે વેક્સિનેશનની સ્પીડ વધારી અને તેનું વર્તુળ વધાર્યું. પીએમ મોદીએ કહ્યું કે, ભારતને કોરોનાએ ઘેરી લીધો હતો, પરંતુ એક વર્ષમાં ભારતે બે વેક્સિન બનાવી લીધી અને અત્યાર સુધી ૨૩ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર કોવિડ પ્રોટોકોલ છે અને વેક્સિન સુરક્ષા કવચ છે. તેમણે કહ્યું કે, તમે છેલ્લા ૫૦-૬૦ વર્ષનો ઈતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે ભારતને વિદેશથી વેક્સિન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સિનનું કામ પૂરુ થયા બાદ પણ આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ શક્તું નહતું. આજે વિશ્વમાં વેક્સિન માટે જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સિન બનાવતી કંપનીઓ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું સ્થિતિ હોત? સેકેન્ડ વેવ દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં અકલ્પનીય રૂપથી વધારો થયો. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલી માત્રામાં મેડિકલ ઓક્સિજનની જરૂરીયાત ઉભી થઈ નથી. આ જરૂરીયાત પૂરી કરવા માટે યુદ્ધ સ્તર પર કામ કરવામાં આવ્યું. કોરોનાની બીજી લહેર સામે ભારતની લડાઈ ચાલી રહી છે. દેશ મહામારી સામે અનેક મોર્ચા પર લડી રહ્યો છે. આ સમયમાં મોટા પાયે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું.

Previous articleપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોંઘી બ્રિડનો ઘોડો ખરીદ્યો
Next articleદિલ્હીમાં લોકોને મતદાન મથક પર જ વેક્સિન આપવામાં આવશે