પેટ્રોલ અને ડિઝલના ભાવમાંથી હાલ છૂટકારો નહીં મળેઃ પ્રધાન

133

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૭
કોરોના કાળમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પડતાં પર પાટુ મારવાનું કામ કરી રહ્યા છે. દેશના ઘણા શહેર એવા છે જ્યાં પેટ્રોલના ભાવ ૧૦૦ રુપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે અને પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. વધતા જતાં ભાવથી ત્રસ્ત દેશવાસીઓ પણ હવે આ મોંઘવારીથી છૂટકારો માંગી રહ્યા છે, પરંતુ દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી હાલ પૂરતો છૂટકારો મળવો મુશ્કેલ છે.
ગુજરાત પહોંચેલા કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતાં વધારાને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે હાલમાં સરકારની આવક નહિવત સમાન થઇ ગઇ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આવક ઓછી રહી અને ૨૦૨૧-૨૨માં સ્થિતિ ગંભીર બની રહી છે. મંત્રીનું કહેવુ છે કે, હાલની પરિસ્થિતિમાં સરકારની આવક ઘટી છે પરંતુ ખર્ચમાં વધારો થયો છે.
પેટ્રોલિમય મંત્રીએ આ અંગે સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, હેલ્થ સેક્ટરમાં ખર્ચ વધ્યો છે. વેલફેર એક્ટિવિટીઝમાં સરકાર ખર્ચ કરી રહી છે. તેમનું કહેવુ છે કે વધતા ખર્ચ અને ઓછી આવકને જોતાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો યોગ્ય સમય નથી.
આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, દેશમાં હાલ પૂરતા પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે.
જોકે તેમણે દેશમાં પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ પાછળ કારણ જણાવતાં કહ્યું કે, આવુ થવા પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજી છે. જેમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૭૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. આ કારણથી પેટ્રોલઅ અને ડીઝલના ભાવ પણ વધી રહ્યા છે.આ પહેલા નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું હતું કે આ મુદ્દે સરકારે યોગ્ય પગલા ઉઠાવવા જોઇએ.
નોંધનીય છે કે, સામાન્ય માણસની કમર તોડતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે, સાત જૂને પણ વધારો કરાયો છે. દિલ્હીમાં ડીઝલની ભાવમાં ૨૭ પૈસા અને પેટ્રોલની કિંમતમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ ૧૦૧.૫૨ અને ડીઝલ ૯૩.૯૮ રુપિયે પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.