ભારતમાં આપત્તિજનક કન્ટેન્ટ માટે ટિ્‌વટરને જવાબદાર ઠેરવી શકાશે

249

(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧૬
નવા આઈટી રૂલ્સનું પાલન ન કરવું ટ્‌વીટરને ભારે પડી ગયું છે. ટ્‌વીટરને ભારતમાં મળતું લીગલ પ્રોટેક્શન એટલે કે કાયદાકીય સુરક્ષાનો અંત આવ્યો છે. સરકારે ૨૫ મેના રોજ નવા નિયમ લાગુ કર્યા હતા પરંતુ ટ્‌વીટરે હજુ સુધી આ નિયમોને લાગુ નથી કર્યા જેથી આ એક્શન લેવામાં આવી છે.
જોકે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે આદેશ જાહેર નથી કરવામાં આવેલો. પરંતુ ટ્‌વીટરે હજુ સુધી નવા આઈટી નિયમો લાગુ નથી કર્યા માટે તેના લીગલ પ્રોટેક્શનનો જાતે જ અંત આવ્યો છે. ટ્‌વીટરનું લીગલ પ્રોટેક્શન દૂર થઈ જાય તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. હવે ટ્‌વીટર ભારતીય કાયદા અંતર્ગત આવી ગયું છે અને કોઈ પણ આપત્તિજનક કન્ટેન્ટ માટે તેને જવાબદાર ઠેરવી શકાશે. સાઈબર લૉ એક્સપર્ટ્‌સના કહેવા પ્રમાણે ’આઈટી એક્ટની કલમ ૭૯ અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને લીગલ પ્રોટેક્શન મળે છે. તેમાં કોઈ પણ ગુનાહિત ગતિવિધિઓ માટે કંપનીની જવાબદારી નથી હોતી, પરંતુ જો હવે કોઈ કાયદાનું ઉલ્લંઘન થાય તો તેના માટે ટ્‌વીટર ઈન્ડિયાના હેડ જવાબદાર ગણાશે.’
સરકારે ૨૫ ફેબ્રુઆરીના રોજ નવા આઈટી નિયમોની જાહેરાત કરી હતી અને તેને લાગુ કરવા માટે ૩ મહિનાનો સમય આપ્યો હતો. તે અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં એક નોડલ અધિકારી, ફરિયાદ અધિકારી અને અનુપાલન અધિકારીની નિયુક્તિ માટે કહેવામાં આવ્યું હતું.
નિયમોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આ ત્રણેય અધિકારીઓ ભારતીય અને કંપનીના અધિકારી હોવા જોઈએ. પરંતુ હજુ સુધી ટ્‌વીટરે આ નિયમ લાગુ નથી કર્યો.
ગાઝિયાબાદના એક વડીલનો વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો તેમને માર મારતા દેખાઈ રહ્યા હતા. આ ઘટનાને સાંપ્રદાયિક સ્વરૂપ આપવાના આરોપસર ગાઝિયાબાદમાં ટ્‌વીટર વિરૂદ્ધ પહેલો કેસ પણ નોંધાઈ ગયો છે. એફઆઈઆરમાં ટ્‌વીટર પર ભ્રામક કન્ટેન્ટ દૂર ન કરવાનો આરોપ લગાવાયો છે.