જુલાઈથી સીરમ બાળકો પર કોવેક્સની ટ્રાયલ શરૂ કરશે

289

ભારતમાં ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં આવનારી બાળકો માટેની આ ચોથી વેક્સિન, બાળકો માટેની આ રસી વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા) પુણે, તા.૨૬
વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવોવેક્સની બીજા અને ત્રીજા સ્ટેજની ટ્રાયલ આવતા મહિનાથી શરુ કરી દેશે. આ વેક્સિન બાળકો માટે બનાવાઈ છે. જેની ટ્રાયલમાં ૧૨-૧૭ વર્ષના ૪૬૦ અને ૨-૧૧ વર્ષના ૪૬૦ બાળકોને આવરી લેવામાં આવશે. નેનોપાર્ટિકલ પ્રોટિન બેઝ્‌ડ વેક્સિન એનવાયએક્સ-કોવી૨૩૭૩ને અમેરિકન બાયોટેક્નોલોજી ફર્મ નોવાવેક્સ દ્વારા બનાવાઈ છે, અને તે ભારતમાં કોવોવેક્સના નામે ઉપલબ્ધ કરાવાશે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં આવનારી બાળકો માટેની આ ચોથી વેક્સિન હશે. નોવાવેક્સ વતી ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન કરનારી એસઆઈઆઈના અંદાજ અનુસાર, આ વેક્સિન વયસ્કો માટે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ્યારે બાળકો માટે વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે. કંપનીના સીઈઓ આદર પુનાવાલાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ડીસીજીઆઈની પરવાનગી બાદ આવતા મહિનાથી ૧૦ જગ્યાએ ૯૨૦ બાળકો પર રસીની પિડિયાટ્રિક ટ્રાયલ શરુ કરાશે. પુણેમાં ભારતી હોસ્પિટલ અને કેઈએમ હોસ્પિટલના વડા મથક પણ આ ૧૦ ટ્રાયલ સેન્ટર્સમાં સામેલ છે. જેમાં બાળકોને ૨૧ દિવસના અંતરમાં રસીના બે ડોઝ અપાશે અને છ મહિના સુધી તેમનું ફોલોઅપ લેવામાં આવશે. ટ્રાયલ ડિઝાઈન અનુસાર, ૧૨-૧૭ વર્ષના બાળકોને પહેલા રસી અપાશે અને પછી ૨-૧૧ વર્ષના બાળકો પર તેની ટ્રાયલ શરુ કરાશે. પુનાવાલાના જણાવ્યા અનુસાર, પિડિયાટ્રિક ટ્રાયલ રિવર્સ ઓર્ડરમાં લેવાશે. જેમાં મોટી વયના બાળકોને પહેલા અને પછી નાની વયના બાળકોને રસી અપાશે. એસઆઈઆઈ તેનું લાઈસન્સ મેળવવા વેક્સિનની સેફ્ટી અને તેનાથી ઉત્પન્ન થતી ઈમ્યુનિટી અંગેની તમામ વિગતો ટ્રાયલની શરુઆતના ત્રણ મહિના બાદ સબમિટ કરશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની લેટેસ્ટ ગાઈડલાઈન અનુસાર, વેક્સિનની ટ્રાયલ પૂરી થયા પહેલા જ તેના ગ્લોબલ ટેસ્ટ રિઝલ્ટના આધારે કંપની લાઈસન્સ માટે અરજી કરી શકે છે. વેક્સિનની ટ્રાયલનો મુખ્ય હેતુ તેનાથી કેટલી ઈમ્યૂનિટી સર્જાય છે અને તે કેટલી સેફ છે તે જાણવાનો છે. ૨૫ બાળકોને પહેલો ડોઝ આપ્યાના સાત દિવસ બાદ સેફ્ટી ડેટાનો સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા રિવ્યૂ કરવામાં આવશે. તેની ભલામણોના આધારે બીજા બાળકોને રસી અપાશે. આ જ પ્રોસેસને ૨-૧૧ વર્ષની વયજૂથ માટે પણ રિપીટ કરાશે. ભારતમાં ૧૨-૧૮ વર્ષની વયના બાળકોની સંખ્યા ૧૩-૧૪ કરોડ જેટલી હોવાનો અંદાજ છે. જેમને રસી આપવા માટે ૨૫-૨૬ કરોડ ડોઝની જરુર પડશે. હાલ બાળકો માટે કોરોનાની વેક્સિન બનાવનારા ઉત્પાદકો ઝડપથી તેની ટ્રાયલ લઈ રહ્યા છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં જ બાળકો માટેની કોઈ વેક્સિનને અપ્રુવલ મળી જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફાઈઝરની વેક્સિનને ૧૨ વર્ષ સુધીની વય ધરાવતા બાળકોને આપવાની મંજૂરી આપી દેવાઈ છે અને તેનો અમલ પણ શરુ થઈ ગયો છે.