એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાને આપી મોંઘી ગિફ્ટ

312

(સંપૂર્ણ સમાચાર સેવા)મુંબઈ, તા.૪
અનુપમા અત્યારે ટેલિવિઝનની સૌથી પોપ્યુલર સીરિયલ છે. આ શો શરૂ થયો ત્યારથી ટીઆરપીમાં ટોચ પર છે. દર્શકોને રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા અને સુધાંશુ પાંડે સહિતના તમામ કલાકારોના પર્ફોર્મન્સ ખૂબ પસંદ આવી રહ્યા છે. આ શોના તમામ એક્ટર્સનું ફેન ફોલોઈંગ પણ ખાસ્સું છે. શોની સફળતાને આખી ટીમ ઉજવતી રહે છે. હાલમાં જ સીરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાને મોંઘીદાટ ગિફ્ટ આપી છે.રૂપાલી ગાંગુલી અને પતિ અશ્વિન વર્માએ પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કર્યું છે. કપલ નવી નક્કોર કારના માલિક બન્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રૂપાલી ગાંગુલીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કારની તસવીર શેર કરી છે. રૂપાલી અને અશ્વિને ભારતીય કંપનીની કાર ખરીદી છે અને આ માટે જ તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. રૂપાલીએ લાલ રંગની મહિન્દ્રા થાર જીપ ખરીદી છે. રૂપાલીએ કાર સાથેની તસવીર શેર કરતાં લખ્યું, “ટૂંકમાં કહું તો ભારતીય છો ભારતીય ખરીદો, ભારતને સપોર્ટ કરો.”રૂપાલીની આ તસવીર પર ફેન્સ કોમેન્ટ્‌સ કરીને શુભકામનાઓ પાઠવવા લાગ્યા હતા. રૂપાલીની ફ્રેન્ડ અને એક્ટ્રેસ જસવીર કૌરે પણ કોમેન્ટ કરતાં લખ્યું, “અભિનંદન! તેમાં બેસવા માટે રાહ નથી જોઈ શકતી.”જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ રૂપાલી ગાંગુલી મિથુન ચક્રવર્તી સાથેની તસવીરને કારણે ચર્ચામાં હતી. મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા અનુપમા સીરિયલમાં કાવ્યાનો રોલ કરે છે. ત્યારે મિથુન ચક્રવર્તીએ શોના સેટ પર આવીને સૌને સરપ્રાઈઝ આપી હતી. જે બાદ શોની આખી ટીમે મિથુન ચક્રવર્તી સાથે ફોટોઝ ક્લિક કરાવ્યા હતા. રૂપાલીએ પણ મિથુન ચક્રવર્તી સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું, “જ્યારે ખુશહાલ યાદો મળવા આવે છે???? મેં સૌપ્રથમ વાર કેમેરાનો સામનો તેમની સાથે કર્યો હતો. એ વખતે હું ચાર વર્ષની હતી. હીરોઈન તરીકેની મારી પહેલી હિન્દી પહેલી તેમની સાથે હતી (પપ્પા અને તેઓ મને ખૂબ ઠપકો આપતા હતા!). એક્ટર તરીકે મારી જાતને ગંભીરતાથી ન લેવા બદલ તેઓ મને હંમેશા ટોકતા હતા. હવે જ્યારે તેઓ મને કહે છે કે, મારું પર્ફોર્મન્સ જોઈને તેમને ગર્વ થાય છે અને ઘણીવાર અભિનય આંખમાં આંસુ લાવી દેનારો હોય છે ત્યારે મારી ખુશી સાતમા આસમાને છે.