ફિલિપાઇન્સમાં સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ ૧૭ના મૃત્યુ

229

૪૦થી વધુ લોકોને બચાવાય, રાહત બચાવ કાર્ય હજુ પણ ચાલુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટ ઝાડ સાથે ટકરાતા દુર્ઘટના બની
(જી.એન.એસ)મનિલા,તા.૪
ફિલીપાઇન્સમાં રવિવારના સવારે એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક સૈન્ય વિમાન ક્રેશ થયું છે. જેમાં ૮૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી ૧૭ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૪૦ લોકોને બચાવી લેવાયા છે. ત્યારે હજુ પણ રાહત બચાવ કાર્ય ચાલુ છે. ફિલીપાઇન્સના સૈન્ય પ્રમુખ સિરિલિટો સોબેજનાએ જાણકારી આપતા કહ્યું કે, અકસ્માત દક્ષિણ ફિલીપાઇન્સમાં થયો. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે ૪૦ લોકોને અત્યાર સુધી સુરક્ષિત નીકાળવામાં આવ્યા છે.જાણકારી પ્રમાણે ફિલીપાઇન્સની વાયુસેનાના એક ઝ્ર-૧૩૦ વિમાન જેમાં ૮૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા, રવિવારની સવારે પાટીકુલ સુલૂની પાસે અકસ્માતનો શિકાર થયું. સમાચાર છે કે વિમાન જ્યારે સુલૂ પ્રાંતમાં જિલો દ્વીપ પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે વિમાનમાં આગ લાગી ગઈ, વિમાન જમીન પર પડ્યા બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું. વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળતા જ ત્યાં પહોંચેલા અધિકારીઓએ આગ ઓલવવાનું કામ શરુ કર્યું.
અત્યાર સુધી વિમાનથી ૪૦ લોકોને જીવતા નીકાળવામાં આવ્યા છે. એ જાણકારી અત્યાર સુધી નથી મળી કે અકસ્માત કઈ રીતે સર્જાયો. અત્યારે વિમાનની અંદર ફસાયેલા લોકોને નીકાળવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, યાત્રા કરી રહેલા લોકોએ હાલમાં જ બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ લીધી હતી. આ લોકોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતા આઇલેન્ડ્‌સ પર તહેનાત કરવામાં આવવાના હતા. ફિલિપાઇન્સના આ આઇલેન્ડ પર મુસ્લિમ વસ્તી વધારે છે. અહીં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત રહે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાઉથ કાગાયન ડી ઓરો શહેરના સૈનિકો સાથે જોલો આઇલેન્ડ જઈ રહ્યું હતું. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડિંગ સમયે પાયલોટ રન-વે પર પ્લેન લેન્ડ કરી શક્યો ન હતો. જેના કારણે વિમાન રનવેની બાજુના ઝાડ સાથે અથડાયું હતું. આ ટક્કરને કારણે વિમાનમાં ભરાયેલા અત્યંત જ્વલનશીલ બળતણમાં આગ લાગી હતી.ઉલ્લેખનીય છે કે, અનેક દશકાઓથી સરકારી દળ સુલુના મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં અબૂ સય્યાફના ચરમપંથિઓ સામે ઝઝૂમી રહ્યા છે. જોકે સૈન્ય પ્રવક્તા કર્નલ એડગાર્ડ અરેવલોના કહેવા પ્રમાણે વિમાન પર કોઈ પણ પ્રકારના હુમલાના કોઈ સંકેત નથી મળ્યા. આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે પરંતુ હાલ બચાવ અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

Previous articleએક દિવસની રાહત બાદ પેટ્રોલમાં ૩૫ અને ડિઝલમાં ૧૮ પૈસાનો વધારો ઝીંકાયો
Next articleપાદરગઢનો ક્યુટ બોય ભવ્યરાજસિંહનો આજે જન્મદિવસ