ઈન્ડિયન આઈડલના સવાઈ ભાટનું પહેલું ગીત રિલીઝ

694

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૫
બોલિવુડના જાણીતા મ્યૂઝિક કમ્પોઝર હિમેશ રેશમિયાએ ફરી એકવાર પોતાનું વચન પાળ્યું છે. ઈન્ડિયન આઈડલ ૧૨ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા સવાઈ ભાટને હિમેશે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાની વાત કરી હતી. હવે સવાઈ ભાટનું પહેલું ગીત રિલીઝ થયું છે. રાજસ્થાનના નાગૌરના રહેવાસી સવાઈ ભાટના ફેન્સ આ ગીત માટે ખૂબ ઉત્સાહિત હતા. સવાઈનું આ ગીત હિમેશ રેશમિયાના નવા આલ્બમ ’હિમેશ કે દિલ સે વોલ્યૂમ ૧’માંથી છે. સાંસે નામનું સવાઈના અવાજમાં ગવાયેલું ગીત યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. સવાઈના આ ગીતને ફેન્સનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. સવાઈ ભાટ ગત અઠવાડિયે ઈન્ડિયન આઈડલ ૧૨માંથી આઉટ થતાં તેના ફેન્સ નિરાશ થયા હતા. જોકે, હવે તેનું નવું ગીત રિલીઝ થતાં જ ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. તેઓ સવાઈના ગીતને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ૩ જુલાઈએ સવાઈ ભાટનું આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે અને ખબર લખાઈ ત્યાં સુધીમાં યૂટ્યૂબ પર ૪ મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. હિમેશ રેશમિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ સવાઈના ગીતના વિડીયો શેર કર્યો છે. હિમેશે વિડીયો શેર કરતાં લખ્યું, મને લાગે છે કે સવાઈ ભાટનો અવાજ ખૂબ યૂનિક છે. મને લાગે છે કે તેનો અવાજ દુનિયા સુધી પહોંચે તે પહેલા તેનું સ્ટુડિયો વર્ઝન રિલીઝ કરી રહ્યા છીએ. હિમેશ કે દિલ સેમાંથી સાંસે રિલીઝ કરી રહ્યો છું જે ખૂબ ટેલેન્ટેડ સવાઈ ભાટે ગાયું છે. તેને તમારો પ્રેમ આપજો. સવાઈ ભાટે પણ પોતાના નવા ગીતને પ્રેમ આપવા માટે ફેન્સને અપીલ કરી હતી. સવાઈ ભાટે લખ્યું, સૌને મારા નમસ્કાર. મારું નવું ગીત સાંસે યૂટ્યૂબ પર રિલીઝ થયું છે. જે હિમેશ રેશમિયા મેલોડિઝ યૂટ્યૂબ ચેનલ પર છે. ખૂબ પ્રેમાળ ગીત છે. ગીત સાંભળો જલદીથી, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્રેમ અને આશીર્વાદ આપજો. સવાઈના આ ગીતને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, ખૂબ સુરીલું ગીત છે. ખૂબ ગમ્યું અને ઉફ્ફ તમારો અવાજ. બીજા ફેને લખ્યું સવાઈ ખૂબ સારું ગીત છે. એક ફેને સવાઈને નવા ગીત માટે અભિનંદન પાઠવ્યા છે. જણાવી દઈએ કે, સવાઈ આઉટ થતાં ફેન્સ નિરાશ થતાં હતાં પરંતુ આ નવા ગીતે ફેન્સનું દિલ ખુશ કરી દીધું છે.