સંજય રાઉતે ભાજપ નેતા આશિષ શેલાર સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

326

(જી.એન.એસ.)મુંબઇ,તા.૪
મહારાષ્ટ્રમાં વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા રાજકારણ વધુ ગરમાયું છે. સત્તાધારી શિવસેનાના સાંસદ સંજય રાઉત અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આશિષ શેલાર વચ્ચેની બેઠક બાદ અનેક અફવાઓએ જોર પકડ્યું છે. જો કે રાઉતે તેને માત્ર એક સામાન્ય બેઠક ગણાવી છે. પરંતુ આ બેઠકનો રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યો છે.શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, હું આશિષને એક જાહેર કાર્યક્રમમાં મળ્યો હતો. મહારાષ્ટ્રનું રાજકારણ ભારત અને પાકિસ્તાન જેવું નથી. રાજકીય મતભેદો હોવા છતાં પરસ્પર સ્નેહ અને સૌજન્ય પ્રવર્તે છે. જેઓ મને પસંદ નથી કરતા તેઓ આવતીકાલે વિધાનસભા સત્ર પહેલા અફવાઓ ફેલાવી રહ્યા છે. આ સાથે રાઉતે એક શાયરાના અંદાજમાં ટિ્‌વટ કર્યું, ‘હમારી અફવાહ કે ધુએં વહી સે ઉઠતે હૈ, જહાં હમારે નામ સે આગ લગ જાતી હૈ.’આ બંને નેતાઓ શનિવારે મુંબઇના નરીમાન પોઇન્ટ પર મળ્યા હતા. રાઉત અને શેલારને મિત્ર ગણાવતાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે તેને માત્ર એક સામાન્ય અને અનૌપચારિક બેઠક ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ બેઠકનો અર્થ એ નથી કે ભાજપ શિવસેના સાથે જોડાવાની ઓફર કરી રહ્યું છે.શિવસેના અને ભાજપના નેતા વચ્ચેની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શાસક મહા વિકાસ અઘાડી સરકાર વચ્ચે અણબનાવના સમાચાર મળી રહ્યા છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ વાક યુદ્ધ ચાલી રહ્યુ છે. ગયા મહિને પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની બેઠક બાદ શિવસેનાએ ભાજપ પ્રત્યેનું પોતાનું વલણ નરમ પાડ્યું હતું.