રેલ રોકો આંદોલનનાં કેસમાં કોંગી આગેવાનો રેલ્વે કોર્ટમાં હાજર થયા

181

શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિત ૧૦ આગેવાનો જામીન મુક્ત થયા
રેલ્વેના પ્રશ્ને આંદોલન કરતા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરો સામે થોડા દિવસ પૂર્વે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી જેના અનુસંધાને આજરોજ કોંગી આગેવાનો પોલીસ સમક્ષ રજુ થતા તમામને જામીન મુક્ત કરાયા હતા.રેલ્વે પ્રશ્ને રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરની આગેવાની હેઠળ ચાલતા આંદોલનને સમર્થન આપવા તથા શહેરના હાદાનગર બંધ રસ્તાના પ્રશ્ને થોડા દિવસ પૂર્વે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરોએ ભાવનગર ખાતે રેલ રોકો આંદોલન કરતા જે તે સમયે કોંગ્રેસના આગેવાનો રેલ્વે પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે અનુસંધાને આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની હાજરીમાં રેલ્વે પોલીસ સમક્ષ હાજર થતા રેલ્વે કોર્ટે શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ.મ્યુનિ.વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, જીતુભાઈ ઉપાધ્યાય, પારૂલબેન ત્રિવેદી, લાલભા ગોહીલ સહિતના ૧૦ આગેવાનો સામે ધોરણસરની કાર્યવાહી કરી તમામને જામીન મુક્ત કર્યા હતા. કોંગી આગેવાનોે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કિન્નાખોરી રાખી લોક પ્રશ્ને આંદોલન કરતા આગેવાનો સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. જે તે સમયે કોંગી આગેવાનોએ ઉપરોક્ત રેલ્વેના પ્રશ્ને ડીઆરએમને આવેદન પત્ર પાઠવી રેલ રોકવા પ્રયત્નો કર્યા હતા. તે વેળાએ આગેવાન કાર્યકરોની અટકાયત કરી પોલીસે રેલ અધિનિયમ ૧૪૫ (બી), ૧૪૬, ૧૪૭, ૧૭૪ (એ) મુજબ ગુન્હો નોંધ્યો હતો. આજરોજ કોંગ્રેસના આગેવાન કાર્યકરો પોલીસ સમક્ષ રજુ થતા પ્રમુખ સહિત ૧૦ સામે ધોરણસરની કાર્યવાહી કરી તમામને રેલ્વે કોર્ટે જામીન મુક્ત કર્યા હતા.