વિશ્વમાં કોરોના હજી ધીમો નથી પડ્યોઃ WHO

209

કોરોનાના વધતા જતા કેસોનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ
(જી.એન.એસ)જિનિવા,તા.૧૦
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને ફરી એકવાર કોરોના વાયરસ સંબંધિત ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના મોટા ભાગના ભાગોમાં કોરોના ચેપ વધી રહ્યો છે. આ તે વાતનો પુરાવો છે કે રોગચાળો હજી સમાપ્ત થયો નથી. તેમણે કોવિડ-૧૯ના વધતા જતા કેસોનું કારણ ડેલ્ટા વેરિઅન્ટને ગણાવ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ ચેપી છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર માટે આ સ્ટ્રેનને જવાબદાર માનવામાં આવે છે.એક ઇન્ટરવ્યુમાં સ્વામિનાથે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૫૦ હજાર નવા કેસ મળી આવ્યા છે અને લગભગ ૯૩૦૦ લોકોનાં મોત થયાં છે. રોગચાળાની ગતિ હજી બંધ થઈ નથી. તેમણે કહ્યું કે ઘણા દેશોમાં રસીકરણની ગતિને લીધે, ગંભીર કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ વિશ્વના એક ભાગમાં ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, હોસ્પિટલોમાં પથારીની અછત છે અને મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે.તેમણે માહિતી આપી હતી કે ડબ્લ્યુએચઓનાં ૬ માંથી ૫ વિસ્તારોમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. વળી, આફ્રિકામાં મૃત્યુ દર બે અઠવાડિયામાં ૩૦ ટકાથી વધીને ૪૦ ટકા થઈ ગયો છે. ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિઅન્ટ, વિશ્વભરમાં રસીકરણની ધીમી ગતિ અને સલામતીનાં પગલાંની શિથિલતા એ કેસોમાં વધારાનાં સૌથી મોટા કારણો છે.વિશ્વના ઘણા દેશો હવે અનલોક કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. ડબ્લ્યુએચઓએ આ અઠવાડિયે સરકારોને વસ્તુઓ ફરીથી શરૂ કરવા વિશે સાવચેત રહેવા જણાવ્યું હતું. ૧૯ જુલાઇથી ઇગ્લેંડમાં કાયદાકીય પ્રતિબંધો હટાવવામાં આવશે. આ ઉપરાંત, માસ્ક પહેરવા જેવા પગલાં પણ વ્યક્તિગત ઇચ્છા પર આધારિત હશે. અમેરિકા અને યુરોપમાં પણ ઓછા કેસોને કારણે ઘણી જગ્યાએ પ્રતિબંધ હળવા કરવામાં આવી રહ્યા છે. ડબ્લ્યુએચઓના આરોગ્ય ઇમરજન્સી પ્રોગ્રામના વડા, માઇક રેયાને બુધવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન કહ્યું, આ વિચાર કે બધા વ્યક્તિ સલામત છે અને બધું સામાન્ય થઈ રહ્યું છે.
આ કલ્પના વિશ્વમાં ક્યાંય પણ જોખમી છે.