અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવાની મંજુરી આપવા સહિત કાલે કારોબારીમાં ૩૫ ઠરાવો રજુ થશે

189

ભાવનગર મહા પાલિકાની કારોબારી સમિતીની બેઠક આવતીકાલ તા.૧૪ને બુધવારે સવારે ૧૦-૩૦ કલાકે ચેરમેન ધીરૂભાઈ ધામેલીયાના અધ્યક્ષસ્થાને મળશે જેમાં શહેરના પૂર્વ પશ્ચિમ વિભાગમાં નગરપ્રાથમિક શિક્ષણ સંચાલિત બે શાળાઓમાં પ્રાયોગીક ધોરણે અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવા સહિતના ૩૫ જેટલા ઠરાવોને રજુ કરી ચર્ચા વિચારણા કરી મંજુર કરવામાં આવશે.
આવતીકાલે મળનારી મહાપાલિકાની કારોબારી બેઠકમાં શિક્ષણ સહિત સંચાલિત ભાવનગર શહેરમાં એક પણ અંગ્રેજી માધ્યમિકની શાળા ન હોય આથી શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૭૩ અને ૫૯માં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમના વર્ગની ફાળવણી કરવામાં આવશે. બાળકોની સંખ્યાને ધ્યાને લઈ અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે. અને તેના ખર્ચ સહિતની મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત કારોબારી બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના પેવિંગ બ્લોક, ડ્રેનેજ, પાણી, રસ્તા સહિતના કામોના ટેન્ડરો અંગે ચર્ચા વિચારણા કરી મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત કેટલાક કામોનો અગાઉ અપાયેલા ટેન્ડરોમાં કોઈ એજન્સીએ ટેન્ડરો ન ભર્યા હોય તેનું રી-ટેન્ડરીંગ પણ મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત મહાપાલિકાની ઓફિસના બિલ્ડીંગના આગળના ભાગે કલર રીનોવેશન સહિતના ૪૯ લાખના ખર્ચના કામને પણ મંજુરી કરવામાં આવશે. જ્યારે વિવિધ વિભાગના કર્મચારીઓને બિમારી સબબ થયેલ સારવાર ખર્ચની પણ મંજુરી આપવામાં આવશે. ફિલ્ટર પ્લાન્ટમાં ચાલતા કામની સમય મર્યાદા પૂર્ણ થઈ હોય કામ બાકી હોય તેના ૪૫ દિવસની સમય મર્યાદા વધારવા અંગેનો નિર્ણય કરાશે. આ ઉપરાંત સ્વિમીંગ પુલમાં ૨૪ કલાક દેખરેખ રાખવા ઉપરાંત બાગ-બગીચા સર્કલ, માળી કામ, સફાઈ કામ સહિતનો કોન્ટ્રાકટ આપવાના ઠરાવને મંજુર કરાશે. જ્યારે કોવિંડ દરમિયાન મંગાવાયેલા ૬ બેરેલ સેેનેટાઈઝર તેમજ રેપિડ એન્ટીજન્સ કીટના રૂા.૨૦ લાખ જેવી રકમ ચુકવવાનો ઠરાવને મંજુરી આપવામાં આવશે જ્યારે મહાપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં થયેલ રૂા.૨.૦૩ કરોડના ખર્ચ પૈકી અગાઉ ૧.૧૭ કરોડ ચૂકવી આપેલ છે અને બાકીના રૂા.૮૬ લાખ ચુકવી આપવાના ઠરાવને પણ મંજુર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના વિવિધ લીઝ પટ્ટાના ઠરાવોને બહાલી આપવા ઉપરાંત વિકાસ કામોને પણ મંજુરી આપવામાં આવશે.

Previous articleપરિવાર બાદ નીતૂ કપૂરે ફ્રેન્ડ્‌સ સાથે બર્થ ડે ઉજવ્યો
Next articleશેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ ખારો ડેમના બે દરવાજા ખોલાયા