ટિ્‌વટર યૂઝરે ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ના ક્રૂ પર લદ્દાખને પ્રદૂષિત કરવાનો લગાવ્યો આરોપ

206

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૩
બોલિવૂડ એક્ટર આમિર ખાન, કિરણ રાવ અને નાગા ચૈતન્ય આજકાલ લદ્દાખમાં અપકમિંગ ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મના અંતિમ શેડ્યુલનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન એક ટિ્‌વટર યૂઝરે ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ના ક્રૂ પર લદ્દાખને પ્રદૂષિત કરવાનો આરોપ લગાવ્યો છે.એક યૂઝરે વાખા ગામનો વિડીયો શેર કર્યો છે કે જ્યાં આમિર ખાનની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ’ગામ કચરાથી પ્રદૂષિત છે અને એવો આરોપ લગાવાયો છે કે આ કામ આમિર ખાનની ફિલ્મની ટીમનું છે.’
યૂઝરે ટિ્‌વટર પર લખ્યું કે ’બોલિવૂડ સ્ટાર આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ આ ગિફ્ટ લદ્દાખમાં વાખા ગામના લોકો માટે છોડીને ગઈ છે. આમિર ખાન પોતે ’સત્યમેવ જયતે’ ટીવી શૉ પર પર્યાવરણને સ્વચ્છ રાખવાની મોટી-મોટી વાતો કરતા હતા અને જ્યારે પોતાની વાત આવે ત્યારે આવું થાય છે! એક્ટર નાગા ચૈતન્યએ હાલમાં જ ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ની ટીમને જોઈન કરી છે. તેણે આમિર ખાન અને કિરણ રાવની સાથે ફિલ્મના સેટ પરથી એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તેઓ કેમેરા માટે પોઝ આપતા ખુશ જોવા મળી રહ્યા હતા.
આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ’ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે. ’ફોરેસ્ટ ગમ્પ’ વર્ષ ૧૯૯૪માં અમેરિકામાં રિલીઝ થઈ હતી અને બેસ્ટ ફિલ્મ તેમજ બેસ્ટ ડિરેક્ટર સહિત કુલ ૬ ઓસ્કર એવોર્ડ જીત્યા હતા. હોલિવૂડ ફિલ્મ ’ફોરેસ્ટ ગમ્પ’માં જાણીતો એક્ટર ટોમ હેન્ક્‌સ મુખ્ય ભૂમિકામાં હતો. જ્યારે તેની બોલિવૂડ રિમેક ’લાલ સિંહ ચઢ્ઢા’માં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન છે અને મ્યુઝિક પ્રીતમનું છે. ફિલ્મમાં કરીના કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળશે.