કમલનાથને કોંગ્રેસ કાર્યકરી અધ્યક્ષ બનાવાય તેવા સંકેત

168

સંસદીય રણનીતિક સમૂહની બેઠકમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે
(સંપૂર્ણ સ. સેવા) નવી દિલ્હી, તા.૧૪
વર્ષ ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના સંસદીય રણનીતિક સમૂહની એક બેઠક બોલાવી છે. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કમલનાથને મોટી જવાબદારી સોંપાઈ શકે છે અને તેમને કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે કમલનાથ ગાંધી પરિવારના નીકટના નેતાઓમાં સામેલ છે અને અનેક વખતે તેઓ સંકટમોચક પણ સાબિત થયા છે. કોંગ્રેસના સંસદીય રણનીતિક સમૂહની બેઠકમાં પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ છોડ્યું હતું અને ત્યારબાદ સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બન્યા હતા પરંતુ હજુ સુધી કોંગ્રેસ કાયમી અધ્યક્ષની પસંદગી કરી શકી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ ૧૯ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા અધીર રંજન ચૌધરીની જગ્યાએ રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા બનાવી શકે છે. જો કે હજુ તેના પર નિર્ણય સંસદીય રણનીતિક સમૂહની બેઠકમાં કરાશે અને રાહુલ ગાંધી લોકસભામાં પાર્ટીનું નેતૃત્વ સંભાળવા માટે તૈયાર છે કે નહીં તેના પર તે નિર્ભર રહેશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી અટકળો થઈ રહી છે કે પ્રશાંત કિશોર ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી માટે મોટી યોજના તૈયાર કરી રહ્યા છે. પ્રશાંત કિશોરની સાથે આ નેતાઓની બેઠક દિલ્હીમાં એક કોંગ્રેસ સાંસદના ઘરે થઈ. જ્યાં મીટિંગમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. આ બાજુ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વર્ચ્યુઅલી આ બેઠકમાં સામેલ થયા હતા.