૩૦૦૦ કરોડના પ્રથમ ફેઝમાં ૨૦૦૦ કરોડ વર્લ્ડ બેંક પાસેથી લોનથી લેવાશે

339

(જી.એન.એસ.)તાપી,તા.૧૬
તાપી નદીના બંને કાંઠે બ્યુટિફિકેશન સાથે સ્ટ્રીટ કલ્ચર ડેવલપ કરવા પાલિકાએ રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પાલિકાનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વધુ એક ડગલું આગળ વધ્યો છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ તરફથી પાલિકાને ગ્રીન સિગ્નલ મળ્યું છે. અંદાજિત રૂપિયા ૧૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ પૈકી પહેલા ચરણમાં ૩૦૦૦ કરોડના ખર્ચે કામગીરીના શ્રાીગણેશ થશે. આ પૈકી રૂપિયા ૨૦૦૦ કરોડ વર્લ્ડ બેંક પાસેથી ફંડ મેળવવામાં આવશે. પાલિકા તાપી શુધ્ધિકરણ સાથે રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટની દિશામાં પણ તબક્કાવાર આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ અંગે મ્યુ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે, તાપીમાં ભળતી ગંદકી અટકાવવા સાથે પાલિકા તાપીના બંને કાંઠે મનોહર દ્રશ્ય ઊભું કરવા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટનું સ્થળ ઉપર કામ શરૂ થાય તે પહેલા તમામ પ્રકારી મંજૂરી મેળવવા પાલિકા પ્રયત્નશીલ છે. આ દિશામાં તંત્રને વધુ એક સફળતા મળી છે કેન્દ્રના નીતિ આયોગ વિભાગ દ્વારા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને મંજૂરીની મ્હોર મારવામાં આવી છે. હવે માત્ર સેન્ટ્રલ વોટર કમિશનની મંજૂરી જ મેળવવાની બાકી રહી છે. ઝડપથી આ મંજૂરી મેળવી વર્લ્ડ બેંક પાસે રૂપિયા ૨૦૦૦ કરોડનું ફંડ મેળવવા અલબત્ત, લોન મેળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં, વિયરની ડાઉન સ્ટ્રીમમાં પ્રથમ તબક્કામાં કામગીરી શરૂ કરવા આયોજન હાથ ધરાયું હોવાનું ઉમેર્યું હતું. રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાપી કિનારે નદીના ઘાટ અને સ્ટ્રીટ કલ્ચર ડેવલપ કરવામાં આવશે. આ માટે વર્લ્ડ બેંક પાસેથી મેળવનારા ફંડમાંથી મહત્તમ ઉપયોગ પાળા રિ-ડિઝાઇન પાછળ કરવામાં આવશે. શહેરને તાપી પૂરથી બચાવતા કઠોર ગામ સુધીના પાળા કહો કે ફલ્ડ પ્રોટેકશન વોલને સુનિયોજિત પણે ફરી ડેવલપ કરવામાં આવશે. ફૂડ કોર્ટથી લઇ સ્ટ્રીટ કલ્ચર સુધીની અનેક બાબતોને આયોજન અંતર્ગત આવરી લેવામાં આવશે. રિવર ફ્રન્ટ યોજના અંતર્ગત વિયરની ડાઉન સ્ટ્રીમથી શરૂ કરી મગદલ્લા રૂંઢ સુધીના ભાગમાં તાપીના બંને કાંઠે રીવર ફ્રન્ટ એરિયા ડેવલપ કરવામાં આવશે. પ્રથમ તબક્કો પૂર્ણ થતાં શહેરીજનોને તાપી કિનારે હરવા-ફરવા માટે વધુ એક નયનરમ્ય સ્થળ ઉપલબ્ધ થશે. સુરત સિટીમાંથી પસાર થતી તાપી નદીને વધુ ખૂબસુરત બનાવવા રીવર ફ્રન્ટ યોજના હેઠળ અંદાજિત કુલ રૂપિયા ૧૦ હજાર કરોડનો ખર્ચ થવા જઇ રહ્યો છે. આ માતબર રકમમાંથી હજીરાથી શરૂ કરી તાપીના બંને કાંઠે મળી ૬૬ કિલોમીટરનો એરિયા ડેવલપ કરવામાં આવશે. બંને કિનારે ૩૩-૩૩ કિલોમીટર લંબાઇના વિસ્તારને સુનિયોજિત રીતે ડેવલપ કરવામાં આવશે. સમગ્ર શહેરીજનો રિવરફ્રન્ટનો નયનરમ્ય નજારો માણી શકે તે માટે બીજા તબક્કામાં વિયરની અપસ્ટ્રીમમાં કામગીરી શરૂ કરવામાં આવશે.

Previous articleગુજ.યુનિ.નો છબરડોઃ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતાં રોષ
Next articleસુરતમાં ઠગાઇ કરતા વેપારીને અર્ધનગ્ન કરી ચોર લખેલું બોર્ડ હાથમાં પકડાવી માર્કેટમાં ફેરવાયો