ફિલ્મ ’બધાઈ હો’નાં સ્ટાર્સે સુરેખા સિક્રીને શ્રદ્ધાંજલિ આપી, આયુષ્માને કહ્યું, ’તમે લીજેન્ડ હતાં’

319

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૭
બોલિવૂડ અને ટેલીવિઝનમાં ફેમસ એક્ટ્રેસ સુરેખા સિક્રીના અવસાનથી કો-સ્ટાર્સને ઘણું દુઃખ થયું છે. સુરેખા સાથે કામ કરી ચૂકેલા ઘણા સ્ટાર્સે સો.મીડિયા પર તેમને યાદ કર્યા છે. ફિલ્મ ‘બધાઈ હો’માં તેમની સાથે કામ કરી ચૂકેલા આયુષ્માન ખુરાના, ગજરાજ રાવ અને નીના ગુપ્તાએ સો.મીડિયા પર પોસ્ટ લખીને સુરેખા સિક્રીને શ્રદ્ધાંજલિ આપી છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘બધાઈ હો’ માટે સુરેખા સિક્રીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. આયુષ્માને સુરેખા સિક્રી સાથે પોતાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, દરેક ફિલ્મમાં અમારી એક ફેમિલી હોય છે, તેની સાથે અમે પોતાની ફેમિલી કરતાં પણ વધારે સમય પસાર કરવા લાગીએ છીએ. આવી જ એક સુંદર ફેમિલી ‘બધાઈ હો’ની હતી. આ એક પર્ફેકટ ફેમિલી હતી તેની હેડ સુરેખા સિક્રી હતાં. તેમનું દિલ યુવાન હતું. મને યાદ છે અમે ’બધાઈ હોના’ સ્ક્રિનિંગ પરથી પરત આવી રહ્યા હતા ત્યારે મેં તેમને કહ્યું હતું, તમે અમારી ફિલ્મની રિયલ સ્ટાર છો. તેમણે કહ્યું, કાશ મને વધુ કામ મળે. આ સાંભળીને મારા અને તાહિરા પાસે કોઈ શબ્દો નહોતા. તમે લીજેન્ડ હતાં અને હંમેશાં તમારી યાદ આવશે, સુરેખા મેમ. ગજરાજ રાવે કહ્યું, ફિલ્મ બનાવવી એક ટ્રેનમાં સફર કરવા જેવો અનુભવ છે. તમે ઘણા બધા યાત્રીઓને મળો છો. કોઈ પોતાનો ડબ્બો અને તેમનું દિલ તમારા માટે ખોલી દે છે તો કોઈ પોતાના સામાનનું ધ્યાન રાખીને તમારી પર શંકાની નજરે જુએ છે. બધાઈ હો મારા માટે તે જ સ્પેશિયલ ટ્રેનની જર્ની રહેશે. તે મારા જીવનમાં નવું સ્ટેશન લઈને આવી. મને સુરેખાજી સાથે કામ કરવા મળ્યું, હું ઘણો ખુશ છું. તેઓ દિલથી એક બાળક હતાં અને પોતાના અનુભવની જરા પણ અભિમાન નહોતું. એક અભિનેત્રી તરીકે તેમના રિયાઝ અને બાળકો જેવા ઉત્સાહે તેમને શ્રેષ્ઠ બનાવ્યા હતાં.