હરખ ઘેલા શહેરીજનોએ ફરવાના સ્થળોએ ભીડ જમાવી….

330

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યની સાથોસાથ ભાવેણાવાસીઓએ કોરોના મહામારીનો સમય વિતાવ્યો છે દોઢ વર્ષથી મહામારીના કારણે લદાયેલા પ્રતિબંધો હવે મહામારી ઓછી થવાના કારણે હળવા કરવામાં આવ્યા અને મોટાભાગના સ્થળો અનલોક કરવામાં આવ્યા છે. મંદિરો, સિનેમા, બાગ-બગીચા સહિત ફરવાના સ્થળો હવે નિયમોના પાલન સાથે ખોલી નાખવામાં આવ્યા છે. દોઢ વર્ષથી ઘરમાં અને ગામમાં રહેલા શહેરીજનોે મહામારી હળવી થતા અનલોક કરાયેલા સ્થળોએ હરખ ઘેલા બની ઉમટી રહ્યા છે.

ભાવેણવાસીઓએ રવિવારની રજામાં ખુબ મોજમસ્તી કરી હતી. રવિવારે બજારોમાં જબ્બર ભીડ ઉમટી હતી તો સાંજના સમયે ફરવાલાયક સ્થળો એવા અકવાડા લેક ફ્રન્ટ, બોરતળાવ, પીલગાર્ડન, કોળીયાક, કુડા, ગોપનાથ સહિતના સ્થળોએ હરખ ઘેલા બની ઉમટી પડ્યા હતા.

પરંતુ આગામી સમયમાં આવનારી કોરોનાની ત્રીજી લહેરની કોઈને પણ ફિકર જણાતી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ગયો છે અને દરરોજ હજ્જરો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ભારતમાં પણ આગામી સપ્ટેમ્બર-ઓકટોબરમાં ત્રીજી લહેર આવવાની શક્યતા તજજ્ઞો દર્શાવી રહ્યા છે અને પ્રથમ બે કરતા પણ ત્રીજી લહેર વધુ ખતરનાક હશે તેવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે ત્યારે શહેરીજનો દ્વારા હરખ ઘેલા બની ફરવાના સ્થળોએ જમાવાતી ભીડો કેટલા અંશે વ્યાજબી અને આગામી સમયમાં તેની કેવી અસર થશે તે સમય જ બતાવી શકશે.

Previous articleબુધેલ નજીકના લાખણકા ડેમમાં અકસ્માતે ડુબી જતા બે યુવાનોના મોત
Next articleલંડનની ગલીઓમાં અનુષ્કા શર્માએ ફેન સાથે ફોટો પડાવ્યો