લંડનની ગલીઓમાં અનુષ્કા શર્માએ ફેન સાથે ફોટો પડાવ્યો

310

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૯
અનુષ્કા શર્મા હાલ પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે લંડનમાં છે. અનુષ્કા દીકરી અને પતિ સાથે લંડનમાં જીવનનો યાદગાર સમય માણી રહી છે. અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને દર થોડા દિવસે પોતાની ’લંડન લાઈફ’ની ઝલક ફેન્સને બતાવતી રહે છે. હાલમાં જ અનુષ્કાએ કેટલીક તસવીરો શેર કરી છે જ્યાં તેને ’ખાસ ફેન’ મળી જાય છે. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં જોઈ શકો છો કે તે લંડનની ગલીઓમાં ફરતી દેખાઈ રહી છે. હાથથી વાળને ઉલાળીને અનુષ્કા પોઝ આપી રહી છે. તસવીરોમાં આગળ જોશો તો અનુષ્કાની નજર તેના એક ફેન પર પડે છે. આ ફેન બીજો કોઈ નહીં તેનો પતિ વિરાટ કોહલી છે. અનુષ્કાએ આ તસવીરોને મજેદાર કેપ્શન આપ્યું છે. એક્ટ્રેસે લખ્યું, “આડંબર કરીને ગલીઓમાં ફરી રહી હતી. મારા વાળમાં હાથ ફેરવતી હતી. એક ફેને મને જોઈ. મેં તેની સાથે ફોટો પડાવીને તેના પર ઉપકાર કર્યો. તે ખુશ લાગતો હતો.
મારા ફેન્સ માટે કંઈપણ. અનુષ્કાએ આ તસવીરો સાથે હાર્ટ અને હસતી ઈમોજી મૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડની ટૂર પર છે ત્યારે અનુષ્કા પણ પતિ અને દીકરી સાથે અહીં પહોંચી છે. સ્ટેડિયમમાં જ આવેલા રૂમમાંથી મેચનો ટોસ જોવાનો હોય કે મેચ જોતાં-જોતાં સમોસા ખાધા હોય, અનુષ્કા ફેન્સને ટ્રીપની આવી નાની-નાની ઝલક બતાવીને ખુશ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકા ૬ મહિનાની થઈ છે. વામિકાના જન્મને ૬ મહિના થતાં પરિવારે નાનકડું સેલિબ્રેશન કર્યું હતું અને તેની ઝલક અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર બતાવી હતી. અનુષ્કાએ શેર કરેલી તસવીરોમાં વામિકા મમ્મી સાથે આકાશ જોતી ને પપ્પાને વહાલ કરતી જોવા મળે છે. સાથે જ સેલિબ્રેશન માટે કેક પણ લવાઈ હતી. અનુષ્કાએ તસવીરો શેર કરતાં લખ્યું હતું, તેની એક સ્માઈલ અમારી આખી દુનિયા બદલી નાખે છે.