શિખર ધવને વન-ડે ક્રિકેટમાં ૬૦૦૦ રન પુરા કરી લીધા

775

નવી દિલ્હી,તા.૧૯
ભારત અને શ્રીલંકાની વચ્ચે કોલંબોમાં રમાયેલી વન-ડે સિરીઝની પહેલી મેચમાં ભારતનો જંગી વિજય થયો છે. ધવનના હાથમાં યુવા ખેલાડીઓ સાથેની ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી અને તેની કેપ્ટનશીપ ઈનિંગ્સની મદદથી ભારતે ભવ્ય વિજય મેળવ્યો. તેણે પોતાની કેપ્ટનશીપની શરૂઆત વિજય સાથે કરી છે. બેટ્‌સમેન તરીકે ધવને મોટો રેકોર્ડ બનાવ્યો. આ મેચ પહેલાં ધવનના વન-ડેમાં ૫૯૭૭ રન હતા. તેણે ૨૩ રન બનાવતાની સાથે જ વન-ડેમાં ૬૦૦૦ રન પૂરા કરી લીધા. તેની સાથે જ તે સિદ્ધિને હાંસલ કરનારા ૧૦મો ભારતીય બની ગયો છે. આ સાથે જ તેણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. ધવન વન-ડેમાં વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટ્‌સમેન છે. કોહલીએ ૧૩૬ ઈનિંગ્સમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવ્યા હતા. આ આંકડાને પાર કરવામાં ૬ વર્ષ ૮૩ દિવસ લાગ્યા હતા. આ યાદીમાં શિખવ ધવન બીજા નંબરે આવી ગયો છે. તેણે ૧૪૦મી ઈનિંગ્સમાં ૬૦૦૦ રનના આંકડાને સ્પર્શ કરી લીધો છે. સૌરવ ગાંગુલી ત્રીજા નંબર પર છે. તેણે ૧૪૭ ઈનિંગ્સમાં ૬૦૦૦ રન બનાવ્યા હતા. તેના માટે તેમણે ૮ વર્ષ ૨૮૯ દિવસ લગાવ્યા હતા. આ પહેલા રોહિત શર્માએ ૬૦૦૦ રન પૂરા કરવામાં ૧૬૨ ઈનિંગ્સ, એમએસ ધોનીએ ૧૬૬ અને સચિન તેંડુલકરે ૧૭૦ ઈનિંગ્સ રમી હતી. ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો ધવન ૬૦૦૦ રન બનાવનારા દુનિયાનો ચોથો બેટ્‌સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ ૧૨૩ ઈનિંગ્સમાં સૌથી ઝડપી ૬૦૦૦ રન બનાવ્યા છે. બીજા નંબરે ૧૩૬ ઈનિંગ્સ સાથે વિરાટ કોહલી છે. ત્રીજા નંબરે શિખર ધવન આવી ગયો છે. તેણે ૧૪૦ ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ ચોથા ક્રમે વિવિયન રિચાર્ડ્‌સ અને જો રૂટ છે. જેમણે ૧૪૧ ઈનિંગ્સમાં ૬૦૦૦ રન બનાવ્યા છે.