સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા જ ભારે હંગામો, બંને સદનની કાર્યવાહી સ્થગિત

691

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૯
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસની શરૂઆત હંગામા સાથે થઈ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો સરકારને ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે ઘેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે વિપક્ષના હુમલાને નિષ્ફળ બનાવવા માટે સરકારે પણ મોટું પ્લાનિંગ કર્યું છે. જોકે સત્રના એક દિવસ પહેલા Pegasus હેકિંગ વિવાદના લીધે ચોમાસુ સત્ર ધમાલિયું રહેશે તે નક્કી થઈ ગયું હતું. વિપક્ષી દળોએ સત્ર શરૂ થતા પહેલા જ સ્થગન પ્રસ્તાવ આપી દીધો હતો અને અનેક મુદ્દે ચર્ચા કરવા માગણી કરી હતી. કોરોના મેનેજમેન્ટ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સહિત અનેક મુદ્દે સંસદમાં ચર્ચા માટે નોટિસ આપવામાં આવી છે. રાજદ દ્વારા સંસદમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા માગ કરવામાં આવી છે. સાંસદ મનોજ ઝાએ નોટિસ આપીને નોટિસ આપીને કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓ અંગે ચર્ચા કરવા કહ્યું હતું. સવારે ૧૧ઃ૦૦ કલાકે બંને સદનની કાર્યવાહી શરૂ થઈ હતી. આજે સંસદના મોનસૂન સત્રનો પહેલો દિવસ છે. લોકસભામાં નવા સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. ભારે હંગામા વચ્ચે વડાપ્રધાને લોકસભાને સંબોધિત કરી હતી અને અનેક દલિત ભાઈ મંત્રી બન્યા તે ખુશીની વાત છે તેમ કહ્યું હતું. જોકે ભારે હંગામા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી અને ૧૨ઃ૨૪ કલાકે સદનની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે. લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી જે બપોરે ૨ઃ૦૦ કલાકે ફરી શરૂ થશે. લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે સદનમાં નવા મંત્રીઓનો પરિચય ન થવા દીધો. ૨૪ વર્ષમાં પહેલી વખત આ જોવા મળ્યું છે અને આજે સદનની પરંપરા તૂટી છે.