સોમવારથી શહેર જિલ્લાની શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ ફરી શરૂ થશે

286

શાળાઓ વિધાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠશે, સ્કુલ વાહનો પણ રોડ પર દોડતા થશે
શહેર અને જિલ્લામાં આગામી ૨૬ જુલાઇને સોમવારથી ધો.૯થી ધો.૧૧માં ૫૦ ટકા વિદ્યાર્થીઓની વર્ગમાં ક્ષમતા સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ધો.૧૨માં તો અગાઉથી જ વર્ગ શિક્ષણ શરૂ થઇ ગયું છે. આથી શહેર અને જિલ્લાના સવા લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ અનલોક થતા શાળાઓ વિધાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠશે તેમજ શાળાએ આવતા જતા સ્કુલ વાહનો પણ દોડતા થઇ જશે. જો કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે. શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે તેમજ શાળાઓએ ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતું કે ૨૨૫ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં ધો.૯ થી ૧૨માં ભાવનગરમાં ઓફલાઇન અને ઓનલાઈન બન્ને રીતે શિક્ષણ શરૂ રહેશે. સરકારના આ નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારે છે. વર્ગમાં વિદ્યાર્થીઓની ૫૦% સંખ્યા સાથે અને એસઆરપીના પાલન સાથે ભાવનગર શહેર અને જિલ્લાની તમામ શાળાઓ સંપૂર્ણ કોરોનાની સાવચેતી સાથે શાળાઓ શરૂ કરવા માટે ઉત્સાહિત છે અત્યારે ધોરણ ૧૨માં શાળાઓમાં ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.