અમેરિકા ચાલુ વર્ષના અંત સુધીમાં ઇરાકમાંથી પોતાના સૈનિકો પરત બોલાવશે

130

(જી.એન.એસ.)વોશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં ઇરાકમાં હાજર અમેરિકન સેનાને પાછી બોલાવી લેવામાં આવશે. જોકે, અમેરિકા ઇરાકી સેનાને તાલીમ અને સહયોગ આપવાનું બંધ નહીં કરે. ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ-કધીમી અને જો બાઇડનની બેઠક વ્હાઇટ હાઉસમાં યોજાઈ હતી અને તે બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
ઇરાકમાં હાલ ૨૫૦૦ અમેરિકન સૈનિકોની હાજરી છે જે સ્થાનિક સુરક્ષાદળોને ચરમપંથી સંગઠન ’ઇસ્લામિક સ્ટેટ’ સામે લડવામાં મદદ કરે છે. જોકે, અમેરિકાના સૈનિકોની સંખ્યા આટલી જ જળવાઈ રહે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાનું આ પગલું ઇરાકના વડા પ્રધાનને મદદના સ્વરૂપે જોવાઈ રહ્યું છે. ગત વર્ષે ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના કુદ્‌સ દળના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઇરાકમાં અમેરિકાની સેનાની તહેનાતી એક મોટો મુદ્દો બની ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની આ જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના સમયમાં શરૂ થયેલા એક યુદ્ધનો અંત છે. આ વર્ષે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પણ સેના પાછી બોલાવી રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં જો બાઇડને કહ્યું, “આ નવા તબક્કામાં પ્રવેશ પછી પણ અમારો આતંકવાદવિરોધી સહયોગ યથાવત રહેશે. આ બેઠકમાં ઇરાકના વડા પ્રધાન કધીમિએ કહ્યું, “આજે અમારો સંબંધ અગાઉ કરતાં વધારે મજબૂત છે. અમારો સહયોગ અર્થવ્યવસ્થા, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ દરેકમાં છે.

Previous articleકોરોના વાયરસની તપાસ ચીન નહિ અમેરિકન લેબોરેટરીમાં થવી જોઇએ
Next articleદિલ્હી સરકાર પદ્મ પુરસ્કારમાં માટે ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સના નામ મોકલશેઃ કેજરીવાલ