દિલ્હી સરકાર પદ્મ પુરસ્કારમાં માટે ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સના નામ મોકલશેઃ કેજરીવાલ

228

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
પદ્મ એવોર્ડ માટે સરકારે નોમિનેશન મંગાવવાના શરૂ કર્યા છે અને તેમાં હવે દિલ્હી સરકારે નવો ચીલો ચાતર્યો છે.
દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી હતી કે, દિલ્હી તરફથી પદ્મ એવોર્ડ માટે માત્ર ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સના જ નામ મોકલવામાં આવશે અને તેમણે લોકો માટે એક ઈ મેઈલ આઈડી જાહેર કરીને અપીલ કરી હતી કે, આ ઈ મેઈલ આઈડી પર લોકો એવા ડોકટરો કે હેલ્થ વર્કર્સના નામ મોકલે જેમણે કોરોના કાળમાં સારી કામગીરી કરી હોય તેવુ લોકોને લાગતુ હોય. તેમણે કહ્યુ હતુ કે, જે રીતે સ્વાસ્થ્ય કર્મીઓએ દોઢ વર્ષથી કામગીરી કરીને લોકોના જીવ બચાવી રહ્યા છે તેના માટે આપણે તેમના આભારી છે. દેશમાં એક માત્ર દિલ્હી સરકાર એવી છે જેમણે કોરોનામાં મોતને ભેટેલા કોરોના ફ્રન્ટ લાઈન વર્કર્સને એક કરોડ રૂપિયાની સહાય કરી છે. સરકાર દર વર્ષે પોતાના ક્ષેત્રમાં સારૂ કામ કરનારાઓને પદ્મ એવોર્ડ આપે છે. દિલ્હી સરકારે આ વખતે નક્કી કર્યુ છે કે, પદ્મ એવોર્ડ હેઠળ જે ત્રણ એવોર્ડ આપવામાં આવે છે તે માટે માત્ર ડોકટરો અને હેલ્થ વર્કર્સના જ નામ મોકલવામાં આવશે. આ નામ લોકો જ આપશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પણ તાજેતરમાં જ દેશના લોકોને અપીલ કરી હતી કે, પદ્મ એવોર્ડ માટે એવા લોકોના નામ નોમિનેટ કરો જેઓ ખરેખર સમાજ માટે જમીન પર રહીને કામગીરી કરતા હોય.