આશાવર્કર-ફેસીલીએટરોને કોવિડ કામગીરીનું વળતર નહીં મળતા રોષ : આંદોલનની ચીમકી

216

ભાવનગર જિલ્લાના આશા વર્કરો અને ફેસીલેટર બહેનોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી સહિતનાઓને રજુઆતો કરી હતી કે, ભાવનગર જિલ્લાના આશાવર્કરો અને ફેસીલીએટર બહેનોને છેલ્લા ૧૦ માસથી નહિ ચુકવાયેલ કોરોના કામગીરીના ભથ્થા ૧૦ દિવસમાં ચુકવવા લેખિત જણાવેલ છે તથા સ્પષ્ટ ચેતવણી આપેલ છે કે, દિવસ ૧૦માં તમામ બાકી રકમો ન ચુકવાય તો ડીડીઓ તથા કલેક્ટર કચેરીએ તમામ આશાવર્કરો તથા ફેસીલીએટર બહેનો ધરણા ઉપર બેસી જશે. નહિ ચુકવાયેલ આ રકમો અંગે યુનિયન દ્વારા રાજ્ય સરકારના કમિશનર આરોગ્ય, નિયામક તથા ખુદ આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆતો કરેલ છે પરંતુ તેનું કોઇ પરિણામ ન આવતા ધરણા કરવાનો નિર્ણય કરેલ છે. છેલ્લા ૪ મહિનાથી ચુકવણુ ન થવાનું કારણ જિલ્લામાં ગ્રાન્ટ ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં ગામડે ગામડે છેલ્લા દોઢ વર્ષથી ફરજીયાત રીતે કોરોના ટેસ્ટીંગ, રસીકરણ, કોરોના સર્વે સહિતની કામગીરી બજાવે છે. સવારે ૯ થી ૫ કલાક સુધી રવિવારની રજામાં પણ સતત કામગીરી બજાવતી આ આશા બહેનોને સરારે જાહેર કરેલ રકમ છેલ્લા ૧૦ માસથી ચુકવેલ નથી. ઓછામાં પુરૂ હોય તેમ જુન માસનું રેગ્યુલર ભથ્થુ-ઇન્સેન્ટીવ પણ ચુકવાયું નથી. કાળઝાળ મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલના ભાડાના વધારાને કારણે બહેનોને સ્વખર્ચે વીઝીટ કરવા જવાનું, રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવાનું હોવાથી હવે બહેનો કામગીરી કરવા સક્ષમ નથી. પ્રજાને તકલીફ ન પડે તે માટે ખુબ જ ધીરજ રાખી કામગીરી બજાવતી બહેનોને ના છુટકે તંત્રની બેદરકારીના કારણે ધરણા કર્યા બાદ પણ જો ચુકવણું ન થાય તો કામ બંધ કરવાનો આકરો નિર્ણય કરવાની ફરજ પડશે. તેમ સીટુ લાલવાવટા સંકલીત ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનના અગ્રણીઓએ જણાવેલ છે.

Previous articleમાતા-પિતા પ્રત્યુષા બેનર્જીનો કેસ લડવામાં બધું ગુમાવી બેઠા
Next articleનિયંત્રણોમાં છૂટછાટ ભારે પડીઃ દેશમાં ઍક્ટિવ કેસ ૪ લાખને પાર