નિયંત્રણોમાં છૂટછાટ ભારે પડીઃ દેશમાં ઍક્ટિવ કેસ ૪ લાખને પાર

684

છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૫૫૫ના મોત : કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસે ચિંતા વધારી, કેરળમાં સતત ત્રીજા દિવસે ૨૨ હજારથી વધારે કોરોના પોઝિટિવ કેસ
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૩૦
ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પાછલા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઘટતા એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જે એક્ટિવ કેસ ૩ લાખની અંદર આવી ગયા હતા તે ફરી ૪ લાખને પાર કરી ગયા છે. આ સાથે પાછલા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ૪૦ હજારને પણ પાર જઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૪,૨૩૦ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ફરી ૬૦૦ની અંદર આવી ગયો છે. દેશમાં વધુ ૪૨,૩૬૦ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૭,૪૩,૯૭૨ પર પહોંચી ગઈ છે, જ્યારે કુલ સંક્રમણનો આંકડો ૩,૧૫,૭૨,૩૪૪ પર પહોંચ્યો છે. વધુ ૫૫૫ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૨૩,૨૧૭ થઈ ગયો છે. કોરોના વાયરસના સાજા થયેલા દર્દીઓની સરખામણીમાં નવા કેસની સંખ્યામાં વધારો થતા એક્ટિવ કેસ ફરી ૪ લાખનો આંકડો પાર કરીને ૪,૦૫,૧૫૫ પર પહોંચ્યો છે. દેશમાં ૧૬ જાન્યુઆરીએ શરુ કરાયેલા રસી અભિયાન પછી ગઈકાલ સુધીમાં કુલ વેક્સીનેશનનો આંકડો ૪૫,૬૦,૩૩,૭૫૪ પર પહોંચ્યો છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૨૯ જુલાઈ સુધીમાં કુલ ૪૬,૪૬,૫૦,૭૨૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે વધુ ૧૮,૧૬,૨૭૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગઈકાલે કર્ણાટકમાં (૨,૦૫૨)માં ૧૯ દિવસ બાદ રોજના સંક્રમિતો આંકડો બે હજારની પાર પહોંચ્યો. આ પહેલા અહીં ૧૦ જુલાઈના ૨,૧૬૨ નવા કેસ આવ્યા હતા. તમિલનાડુમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં સૌથી વધારે ૧,૮૫૯ કેસ સામે આવ્યા. આ પહેલા ૨૨ જુલાઈના અહીં ૧,૮૭૨ કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના ૭,૨૪૨ નવા કેસ સામે આવ્યા અને ૧૯૦ દર્દીઓના મોત થયા. રાજ્યમાં અત્યારે ૭૮,૫૬૨ દર્દીઓનો ઉપચાર ચાલી રહ્યો છે. કોરોનાના કારણે અત્યારે દેશના ૮ રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. આમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોન્ડિચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તો ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. રાજસ્થાનના ૩૩ જિલ્લામાંથી ૨૭ એવા જિલ્લા છે જ્યા કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી અને ના તો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી કોઇ મોત થયુ છે. બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૨૫૯ થઇ ગઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર ગુરૂવારે અહી માત્ર ૧૭ નવા કેસ દર્જ થયા હતા. રાજસ્થાનમાં કોરોનાથી અત્યાર સુધી ૮૯૫૩ લોકોના મોત થયા છે.

Previous articleઆશાવર્કર-ફેસીલીએટરોને કોવિડ કામગીરીનું વળતર નહીં મળતા રોષ : આંદોલનની ચીમકી
Next articleજમ્મુ-કાશ્મીરમાં પાક.ની અવળચંડાઈઃ એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન