જમ્મુ-કાશ્મીરમાં પાક.ની અવળચંડાઈઃ એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન

567

(જી.એન.એસ.)જમ્મૂ,તા.૩૦
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ જમ્મુ ક્ષેત્રમાં ગુરૂવારે ૩ અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન રાતે ૮ઃ૩૦થી ૯ઃ૩૦ કલાક વચ્ચે જોવા મળ્યા હતા. તે પૈકીના ૨ ડ્રોન આર્મી કેમ્પ અને આઈટીબીપી કેમ્પ પાસે જોવા મળ્યા હતા. સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો પરંતુ ત્રણેય ડ્રોન બચીને નીકળી ગયા હતા. જાણવા મળ્યા મુજબ એક ડ્રોન સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જોવા મળ્યું હતું. બીજું સાંબા જિલ્લામાં જ ઘગવાલ પાસે ઉપસ્થિત આઈટીબીપીના કેમ્પ પાસે અને ત્રીજું સાંબા જિલ્લાના બારી ક્ષેત્રના આર્મી કેમ્પ પાસે જોવા મળ્યું હતું. બીએસએફ દ્વારા શંકાસ્પદ ડ્રોન પર આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે કેટલીક ગોળીઓ ચલાવવામાં આવી હતી પરંતુ તે બચીને નીકળી ગયા હતા અને પછી ગાયબ થઈ ગયા હતા. અગાઉ ૨૩ જુલાઈના રોજ જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુ જિલ્લાની સરહદને અડીને આવેલા વિસ્તારમાંથી ૫ કિગ્રા વજનની વિસ્ફોટક સામગ્રી (આઈઈડી) લઈને જઈ રહેલા ડ્રોનને નીચે પાડી દીધું હતું. ડ્રોનમાં લગભગ તૈયાર અવસ્થામાં ૫ કિગ્રા આઈઈડી સામગ્રી હતી જેમાં વિસ્ફોટ પહેલા ફક્ત તારને જોડવાના જ બાકી હતા.
તે ૬ પૈડાવાળું હેક્ઝા-એમ-કોપ્ટર ડ્રોન હતું. તેમાં જીપીએસ અને ઉડાનને નિયંત્રિત કરનારૂં ઉપકરણ પણ લાગેલું હતું. પોલીસના કહેવા પ્રમાણે તેમણે સંભવિત આઈઈડી વિસ્ફોટ અટકાવ્યો હતો. ડ્રોનમાંથી જે આઈઈડી નીચે પાડવાના હતા તેના તાર જમ્મુ વાયુસેના સ્ટેશનના વિમાની મથક ખાતેથી મળી આવેલી વિસ્ફોટક સામગ્રી સાથે મેળ ખાઈ રહ્યા હતા. તેનાથી પૃષ્ટિ થાય છે કે, જમ્મુ એરબેઝ પર આઈઈડી ફેંકવા ડ્રોનનો ઉપયોગ થયો હતો. એર બેઝ પર ગત મહિનાના અંતે ૨ બ્લાસ્ટ થયા હતા.

Previous articleનિયંત્રણોમાં છૂટછાટ ભારે પડીઃ દેશમાં ઍક્ટિવ કેસ ૪ લાખને પાર
Next articleઆજે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે