૨૨ વર્ષની યુવતીએ મુંડન કરાવીને કેન્સરના દર્દીઓ માટે દાનમાં આપ્યા લાંબા વાળ

864

(જી.એન.એસ.)મહેસાણા,તા.૩૧
મહિલાઓ માટે લાંબા વાળ સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. વાળ વધારવા માટે યુવતીઓ મોંઘા શેમ્પૂ, કંડિશનર અને સાબુ પાછળ કેટલાય રૂપિયા ખર્ચી નાખે છે. જો કે, ઘણી યુવતીઓ એવી હોય છે જે બીજા લોકોની મદદ કરવા માટે પોતાના વાળનું દાન કરી દે છે. મહેસાણામાં પરિવાર સાથે રહેતી ૨૨ વર્ષની યુવતી પર તેમાંથી જ એક છે. તેણે પોતાના વાળ કપાવીને અને મુંડન કરાવીને કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે દાન કર્યા છે. આ સાથે તેણે અન્ય યુવતીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે. દેશમાં કેન્સરગ્રસ્ત લોકોને હેર વિગ વિનામૂલ્યે આપવાની સેવા કરનાર એક સ્વૈચ્છિક સંસ્થાનું અભિયાન સોશિયલ મીડિયા પર જોયા બાદ યુવતીએ કોઈ પણ સંકોચ વગર મુંડન કરાવીને વાળ દાનમાં આપી દીધા છે. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા સહારા ટાઉનશીપમાં રહેતી અને એમ.એ.નો અભ્યાસ કરનારી તિથિ પ્રજાપતિએ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર હેર ડોનેટનું અભિયાન ચલાવતી મુંબઈ સ્થિત બાલ્ડ બ્યૂટી વર્લ્ડની માહિતી જોઈ હતી. આ સંસ્થા દેશભરના કેન્સરગ્રસ્ત લોકોને મોંઘી હેર વિગ વિનામૂલ્યે આપવાનું કામ કરે છે. તિથિ પ્રજાપતિએ સ્થાનિક સહયોગી સંસ્થા એજ્યુકેશન ઓફ સોશિયલ એન્ડ રિસર્ચ સેન્ટરની મદદથી મુંડન કરાવીને પોતાના લાંબા વાળ કેન્સરગ્રસ્તો માટે દાન કરીને સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડી છે. ઉલ્લેખનીય છે કે, થેરાપી બાદ કેન્સરના દર્દીઓના વાળ જતા રહેતા હોય છે. તેમની પાસે હેર વિગ લગાવવા સિવાય અન્ય વિકલ્પ હોતો નથી. હેર વિગ માટે ઘણો ખર્ચ થતો હોય છે. ત્યારે કેન્સર પીડિત લોકોને હેર વિગ વિનામૂલ્યે મળી રહે તે હેતુથી દેશભરમાં મુંબઈ સ્થિત મુખ્ય સહિત સહયોગી સંસ્થાઓ આ સેવાકાર્યમાં જોડાયેલી છે. કેન્સરનો ભોગ બનેલા લોકોને હેર વિગ મળે તે માટે ઘણી મહિલાઓ પોતાના વાળ દાનમાં આપે છે. હેર ડોનેટમાં ૧૦ ઈંચ સુધીના લાંબા વાળ સ્વિકારવામાં આવે છે.

Previous articleબિલ્ડરની એક ભૂલના કારણે ફ્લેટના ૪૨ પરિવારો રસ્તા પર આવી ગયા
Next articleકોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાઃ તરણેતરનો મેળો બીજા વર્ષે રદ્દ