વિજયભાઈને ઉજવણી સાથે માન સન્માનથી વિદાય કરવાનો પ્રસંગ છેઃ અમિત ચાવડા

402

અમદાવાદમાં કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત વિરોધ કર્યોઃ પોલીસે અટકાયત

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧
રાજ્યમાં રૂપાણી સરકારના ૫ વર્ષ થયાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આજે જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષણના ખાનગીકરણ અને વેપારી કરણના કારણે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ’શિક્ષણ બચાવો’ નામનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ એલ. ડી. કોલેજ પાસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને અન્ય આગેવાનો તથા કાર્યકરો દ્વારા શિક્ષણ બચાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં એનએસયુઆઇના કાર્યકરો દ્વારા રસ્તા પર બેસીને સૂત્રોચાર અને નારા લગાવવામાં આવ્યા હતા. જેમની પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી. આ દરમિયાન કોંગ્રેસના અમિત ચાવડા જણાવ્યું હતું કે, ’સરકાર દ્વારા ખાનગીકરણને પોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળા કોલેજોનું નેટવર્ક હતું તે નેટવર્ક બંધ કરવાનું ષડયંત્ર ચાલે છે. સરકાર કોઈની વાત નથી સાંભળતી. નથી શિક્ષકો કે ઓરડા. ટાટની પરીક્ષા પાસ કરેલા લોકો ફરી રહ્યા છે. સરકાર ભરતી નથી કરતી. પ્રવેશ ઉત્સવના તાયફા કરાઈ રહ્યા છે. બીજી બાજુ ખાનગીકરણમાં પોતાના માનીતા લોકોને લ્હાણી કરવામાં આવે છે. કોરોનામાં આર્થિક મંદીમાં પણ શિક્ષણના નામે લૂંટ ચલાવાઈ રહી છે. વાલીઓ ચિંતામાં છે અને સરકાર ફી ઘટાડવાનું નામ નથી લઈ રહી. સરકાર શરમ કરવાના બદલે લ્હાણી કરી રહી છે. વિજય રૂપાણીને બદલવાના હોય એટલે કદાચ ઉજવણી કરવામાં આવતી હોય.’ અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, ’શાસન તો ૨૫ વર્ષથી ચાલે છે. શું ૫ વર્ષમાં જ વિજયભાઈના સમયમાં કામ થયું છે તેની ઉજવણી કરવા માગો છો. શું આનંદી બેન કે અગાઉ નરેન્દ્રભાઈના વખતમાં કામ નથી થયું એવું સાબિત કરવા માંગો છો. કે હવે આપણે વિજયભાઈને ઉજવણી સાથે માન સન્માનથી વિદાય કરવાનો પ્રસંગ છે એ તો એમની પાર્ટીનો વિષય છે.’