મહામારીમાં એક વાલી ગુમાવનાર બાળકનાં ખાતામાં ૨૦૦૦ રુપિયા જમા થશેઃ રુપાણી

357

કટકી-બટકીમાંથી મુક્ત, વચેટીયાઓ લાભ ન લે તેવા કામો કર્યા, જાડી ચામડીની સરકાર નથી
(જી.એન.એસ.)રાજકોટ,તા.૨
ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઇ રહ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમના ૬૫માં જન્મદિવસે રાજ્યકક્ષાનો ’સંવેદના દિવસ’ રાજકોટ ખાતે ઉજવાયો હતો. જેમાં તેમણે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોનાકાળમાં ૧૮ વર્ષની નીચેના બાળકનાં એક વાલી પણ ગુજરી ગયા હશે તેમને રાજ્ય સરકાર દરમહિને બે હજાર રુપિયા આપશે. આ સાથે સીએમ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ૪૩૩ સેવા સેતુ કાર્યક્રમોની શરૂઆત કરી છે. વિધવા બહેનોને પુનઃલગ્ન માટે ૫૦ હજારની સહાયની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. આજે સંવેદના દિવસે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીમાં કોરોનાથી માતા-પિતા ગુમાવવાના કારણે નિરાધાર બનેલાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.૪ હજારની સહાય સીધી જ તેમની બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. જુલાઇ મહિનાની આ રકમ બાળકોનાં ખાતામાં જમા થઇ ગઇ છે અને ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં આ રકમ જમા થઇ જશે. કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે ૧૬,૦૦૦ કરોડના વિકાસકામો પ્રજાને અર્પણ કર્યા છે. સરકાર પોતાની ભૂમિકા સહૃદયતાથી નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, જે બાળકોએ માતા-પિતા બેમાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે, તેવાં બાળકોને પ્રતિમાસ રૂ. ૨ હજારની સહાય ડીબીટી મારફત સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને નિવાસી શાળાઓમાં શિક્ષણ માટે પ્રવેશમાં અગ્રતા આપવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે રાજ્યના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યભરમાં સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય આપવામાં આવી હતી.