૬ લગ્ન કરનારા પૂર્વ મંત્રી ચૌધરી બશીર વિરુદ્ધ ત્રણ તલાકનો કેસ દાખલ કરાયો

593

(જી.એન.એસ.)આગ્રા,તા.૨
ઉત્તર પ્રદેશના આગ્રાના મંટોલામાં ૬ લગ્ન કરનારા પૂર્વ મંત્રી ચૌધરી બશીરની વિરુદ્ધ ત્રણ તલાકનો કેસ નોંધાવવામાં આવ્યો છે. પૂર્વ મંત્રીની વિરુદ્ધ ચોથી પત્ની નગમાએ કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે પૂર્વ મંત્રી કપડાની માફક પત્નીઓ બદલે છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી પર અનેક ગંભીર આરોપ છે. કેસ એસએસપીના આદેશ બાદ નોંધવામાં આવ્યો છે. પૂર્વ મંત્રીની પત્ની નગમાનો આરોપ છે કે ચૌધરી બશીરને મહિલાઓની સાથે ઐયાશી કરવાનો શોખ છે. વર્ષ ૨૦૧૨માં તેના લગ્ન ચૌધરી બશીર સાથે થયા હતા. લગ્ન બાદ તેમણે શારીરિક અને માનસિક સતામણી કરી. અનેકવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બનાવ્યા. આ મામલે ચૌધરી બશીરની વિરુદ્ધ કેસ નોંધાયો હતો, જેમાં તેઓ ૨૩ દિવસ જેલમાં પણ રહીને આવ્યા હતા. ચૌધરી બશીર પર આરોપ લગાવનારી નગમાએ પોતાનો એક વિડીયો સોશિયલ મિડિયા પર અપલોડ કર્યો છે. વિડીયોમાં નગમાએ પૂર્વ મંત્રી પર અનેક આરોપ લગાવ્યા છે. નગમાએ કહ્યું કે, તે ત્રણ વર્ષથી પોતાના પિયરમાં રહી રહી છે. ચૌધરી બશીર સાથે તેમનો કૉર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. ૨૩ જુલાઈના તેમને જાણવા મળ્યું કે ચૌધરી બશીર ફરીથી લગ્ન કરવાના છે. તે તેમની પાસે ગઈ, પરંતુ તેને ત્રણવાર તલાક બોલીને પાછી મોકલી દેવામાં આવી. નગમાએ કહ્યું કે, છઠ્ઠા નિકાહ તેણે શાહિસ્તા નામની મહિલા સાથે કર્યા છે, જે પહેલાથી જ પરીણિત છે અને તેના હજુ તેના પતિ સાથે છૂટાછેડા નથી થયા. વર્ષ ૨૦૦૩માં ચૌધરી બશીરે કાનપુરની ધારાસભ્ય ગઝાલા સાથે લગ્ન કર્યા હતા. બીએસપી સુપ્રીમો માયાવતીએ બંનેના લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ બંને બીએસપી સમાજવાદી પાર્ટીમાં પહોંચી ગયા. બંનેને એક દીકરો પણ છે. ત્યારબાદ બંનેના તલાક થઈ ગયા. નગમાએ જણાવ્યું કે, બીજા લગ્ન તેણે ગિન્ની કક્કડ સાથે હિંદુ રીતિ-રિવાજથી કર્યા. ત્રીજા લગ્ન દિલ્હીની તરન્નુમ સાથે કર્યા. ચોથા તેની સાથે. ૨૦૧૮માં પૂર્વ મંત્રીએ પાંચમાં લગ્ન રૂબીના સાથે કર્યા હતા. હવે પૂર્વ મંત્રી સામે મુસ્લિમ મહિલા સંરક્ષણ કાયદા ત્રણ તલાક હેઠળ કેસ નોંધાયો છે. ચૌધરી પર અનેક ગુનાઓ નોંધાયેલા છે.