સંસદ ન ચાલવા દેવી એ બંધારણ અને લોકતંત્રનું અપમાનઃ મોદી

214

ભાજપ સંસદીય દળની બેઠકમાં મોદી વિપક્ષ પર વરસ્યા : સરકાર અને પાર્ટી સાસંદોએ એવા દરેક પગલાં ભરવા જોઈએ જેનાથી સંસદનું કામકાજ સુચારુ રીતે ચલાવી શકાય
)ન્યુ દિલ્હી,તા.૩
સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે. મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવાને સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને પાર્ટી સાંસદોએ દરેક એ પગલાં ઉઠાવવા જોઇએ જેનાથી ગૃહને સુચારુ રીતે ચલાવી શકાય. આ પહેલા બીજેપી સંસદીય દળની બેઠકમાં ઓબીસી વર્ગને મેડિકલના અભ્યાસમાં ૨૭ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા આરક્ષણ આપવા માટે સાંસદોને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. બેઠકમાં પીએમ મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને અન્ય નેતા પણ સામેલ થયા. આ પહેલા ૨૭ જુલાઈના પણ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું હતું કે, આ પાર્ટી સંસદ નથી ચાલવા દેતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોવિડ-૧૯ પર બેઠક બોલાવવામાં આવી તો કૉંગ્રેસે બહિષ્કાર પણ કર્યો અને અન્ય દળોને આવવાથી રોક્યા. પીએમ મોદીએ સાંસદોને આગ્રહ કર્યો કે કૉંગ્રેસ વિપક્ષના આ કાર્યને જનતા અને મિડિયા સામે એક્સપોજ કરે. પીએમ મોદીએ સાંસદોને કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ૭૫ ગામ જાય, ૭૫ કલાક રોકાય. ગામોમાં દેશની ઉપલબ્ધિઓ, દેશની આઝાદી આ તમામ ચીજો વિશે લોકોને જણાવે.તેમણે કહ્યું કે, એ ખાતરી કરવી પડશે કે આઝાદીના ૭૫ વર્ષનો આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ બનીને ના રહી જાય. આ કાર્યક્રમમાં દેશના જન જનની ભાગેદારી હોવી જોઇએ. ઉલ્લેખનીય છે કે પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાઓના મુદ્દે બંને ગૃહોની કાર્યવાહીમાં સતત અડચણ આવી રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો મતભેદ દૂર થઈ રહ્યો નથી. ઓગસ્ટ મહિનાના પ્રથમ વર્કિંગ ડે એટલે કે સોમવારે પણ કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. સંસદ સત્ર ૧૯ જુલાઈથી શરૂ થયું છે. જોકે વધુ સમય વિપક્ષના સાંસદોના હંગામા અને વિરોધમાં જ બગડ્યો છે.