સીમા વિવાદઃ તણાવ ઓછો કરવા પર અસમ-મિઝોરમ વચ્ચે બની સંમતિ

427

ગૌહાટી,તા.૫
આસામ અને મિઝોરમ વચ્ચે સરહદી વિવાદને કારણે ઉદભવેલા તણાવપૂર્ણ વાતાવરણને ઘટાડવા માટે ગુરુવારે બંને રાજ્યોના મંત્રીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. મિઝોરમની રાજધાની આઈઝોલમાં યોજાયેલી આ બેઠકમાં બંને રાજ્યો વાતચીત અને સૌહાર્દપૂર્ણ રીતે સરહદી વિવાદ ઉકેલવા સંમત થયા હતા. આ સાથે, એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મિઝોરમની મુલાકાત ન કરવા અંગેની અગાઉ આપેલી સલાહ આસામ પાછી ખેંચી લેશે. બેઠકમાં ભાગ લેનારા આસામના મંત્રી અશોક સિંઘલે સંયુક્ત નિવેદનની એક નકલ ટ્‌વીટ કરી હતી અને કહ્યું હતું કે તેના પર આસામના મંત્રી અતુલ બોરા, મિઝોરમના ગૃહમંત્રી લાલ ચામલીયાના, આસામ બોર્ડર સિક્યુરિટી કમિશનર અને સેક્રેટરી જી.ડી. ત્રિપાઠી અને મિઝોરમના ગૃહ સચિવ વનલાલંઘાસકાએ હસ્તાક્ષર કર્યા હતા. બેઠક બાદ બંને રાજ્યોના પ્રધાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે વાતચીત દ્વારા સરહદી વિવાદ ઉકેલવાની વાત કરી હતી. આ અંતર્ગત બંને રાજ્યોના પ્રધાનો આજે મળ્યા હતા અને બંને રાજ્યો સરહદ પર શાંતિ જાળવવા માટે પણ સહમત થયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બંને રાજ્યો વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે ૨૬ જુલાઈએ લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ લીધું હતું, જેમાં આસામના છ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા જ્યારે આ ઘટનામાં આશરે ૫૦ લોકો ઘાયલ થયા હતા. બેઠક પૂર્વે મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમથાંગાએ ટિ્‌વટર મારફતે કહ્યું હતું કે બંને રાજ્યોની બેઠકમાં સમાધાન મળવા અંગે તેઓ આશાવાદી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તક્ષેપ બાદ બંને પક્ષોએ તણાવ ઘટાડવા માટે બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા સોમવારે સરમાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ તેમના બે કેબિનેટ મંત્રીઓને શાંતિ માટે આઇઝોલ મોકલશે. સરમાએ જાહેરાત કરી હતી કે તેમણે રાજ્ય પોલીસને પડોશી રાજ્યના અધિકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, આસામના મુખ્ય પ્રધાને તેમના રાજ્યમાં કોલાસિબના ડેપ્યુટી પોલીસ કમિશનર લલથલંગલિઆના અને સબ ડિવિઝનલ પોલીસ અધિકારી થેરાટી હરંગચલ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત પણ કરી હતી.