અખિલેશને મુલાયમ સિંહ ટીપૂ કહીને બોલાવે છે તો શું વાંધે છેઃ ભાજપ

409

લખનઉ,તા.૮
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કરવા ’અબ્બાજાન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને લઈ બંને પાર્ટીઓ વચ્ચે નિવેદનોનો મારો ચાલી રહ્યો છે. હવે યુપી સરકારમાં મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે અખિલેશ યાદવની આપત્તિ સામે સવાલ ઉઠાવ્યો છે. યુપી સરકારમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે અખિલેશ યાદવને સવાલ કર્યો હતો કે, તેમને અબ્બા શબ્દ સામે શું વાંધો છે? મુલાયમ સિંહ પણ તો અખિલેશને ’ટીપૂ’ કહીને બોલાવે છે. કેબિનેટ મંત્રીએ કહ્યું કે, અબ્બા શબ્દ ઉર્દુનો સારો અને મીઠો શબ્દ છે. અખિલેશને શા માટે નફરત છે. તેઓ પોતાના પિતાને ડેડી કહી શકે છે જે અંગ્રેજી શબ્દ છે. પિતાજી તો કહેતા નથી તો તેમને અબ્બા સામે કેમ નફરત છે? તેમણે વિચારવું જોઈએ. સિદ્ધાર્થે સવાલ કર્યો હતો કે, ઉર્દુ શબ્દોને લઈ તેમનામાં આટલી નફરત કેમ આવી ગઈ છે. અખિલેશ યાદવે આનો જવાબ આપવો જોઈએ. હકીકતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિર મુદ્દે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેમના અબ્બા જાન તો કહેતા હતા કે, પંખી પણ પાંખ નહીં ફફડાવી શકે. આ મુદ્દે અખિલેશ યાદવે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ પોતાની ભાષા પર સંતુલન રાખવું જોઈએ. અમારો અને તમારો ઝગડો મુદ્દાઓને લઈને હોઈ શકે. પરંતુ જો તેઓ મારા પિતાજી વિશે કશું કહેશે તો હું પણ તેમના પિતાજી અંગે ઘણું બધું કહી દઈશ. માટે મુખ્યમંત્રી પોતાની ભાષા પર સંતુલન રાખે.

Previous articleરાજકોટમાં ડીજીના સીઆઇ સેલે દરોડા પાડી પાંચને ક્રિકેટ સટ્ટો રમાતા ઝડપી પાડ્યા
Next articleડાયમંડ મર્ચન્ટ સવજી ધોળકિયા દરેક મહિલા હોકી ખેલાડીને અઢી લાખ આપશે