સુરતમાં ૪૦૦ કરતાં વધુ આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

203

સુરત,તા.૮
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સામાજિક અગ્રણી, રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તેવામાં સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં ૪૦૦ કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં નિરંજન ઝાંઝમેરા, યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિતના ભાજપના નેતાઓની હાજરીમાં આપના કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. મહત્ત્વની વાત છે કે, ભાજપના યુવા અધ્યક્ષ બન્યા બાદ પ્રશાંત કોરાટનો સુરતમાં આ મોટો કાર્યક્રમ કહી શકાય. વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ ભાજપે પોતાના પ્રયાસો શરૂ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૩ના ઉપપ્રમુખ શૈલેશ ગજેરા અને તેમના કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તેઓ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષના હસ્તે ૪૦૦ જેટલા આપના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૩ના વોર્ડ ઉપપ્રમુખ શૈલેશ ગજેરાએ આ બાબતે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટીનો ઉપપ્રમુખ હતો. પાર્ટીમાં મેં મારા કાર્યકર્તાઓ સાથે ખૂબ સારું કામ કર્યું છે. પાર્ટી જીત્યા પછી અમે ઘણા કામ લઇને ગયા પણ અમારા કોઈ પણ કામ થયા નથી. છેલ્લી અમને લોકોને કાર્યકર્તા ગ્રુપમાંથી પણ કાઢવામાં આવ્યા. અમે આ બાબતે કોર્પોરેટરોને પૂછ્યું ત્યારે ત્યારે કહ્યું કે, તમે સક્રિય નથી. ગોપાલ ઈટાલીયા, મનીષ સિસોદિયા, ઈશુદાન ગઢવી આવ્યા ત્યારે તેમની સાથે ઉભા રહીને અમે કામ કર્યું છે. છતાં પણ કહે છે કે, તેમાં સક્રિય નથી. અમે સક્રિયતા બાબતે પૂછ્યું ત્યારે કહ્યું કે, એ અમને ખબર નથી અમને ઉપરથી પાર્ટીએ કહ્યું છે. અમને કોઈ સાંભાળતુ નહોતું એટલે અમે અમારી ટીમ સાથે ભાજપમાં જોડાયા છીએ.

Previous articleડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી
Next articleહુમા કુરેશી ફ્લાઇટ ચૂકી જતા એરલાઈન્સ કંપની પર ભડકી