દિલ્હીના મુખ્ય સચિવ સાથે કથિત મારપીટ કેસમાં કેજરીવાલ સહિત ૯ ધારાસભ્યો નિર્દોષ જાહેર

242

ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હીના મુખ્ય સચિવ રહી ચુકેલા અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય લોકોને ભારે મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે બુધવારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત અન્ય ૯ ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા છે. આ ચુકાદો આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી અને સત્યમેવ જયતે એમ લખ્યું હતું. જોકે કોર્ટે આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને આપના ધારાસભ્ય પ્રકાશ જરવાલ પર આરોપો નિર્ધારિત કર્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત જે અન્ય ધારાસભ્યોનું નામ આ સમગ્ર કેસમાં હતું તે પૈકીના ૨ વિરૂદ્ધ આરોપો ઘડવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સચ્ચાઈનો વિજય થયો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે, મુખ્યમંત્રી વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા હતા. તેઓ શરૂઆતથી જ એવો ઉલ્લેખ કરી રહ્યા હતા કે આ એક ષડયંત્રનો જ ભાગ છે. આ કેસ ફેબ્રુઆરી ૨૦૧૮નો છે. તે સમયે મુખ્ય સચિવ અંશુ પ્રકાશે એવો આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રીએ તેમને અડધી રાતે બોલાવ્યા હતા. તે સમયે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય ૧૧ ધારાસભ્યોએ તેમના સાથે મારપીટ કરી હતી. આ કેસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. અંશુ પ્રકાશે આરોપ લગાવ્યો હતો કે, અરવિંદ કેજરીવાલના ઘરે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સામે ધારાસભ્યોએ હાથાપાઈ કરી હતી. જોકે આમ આદમી પાર્ટીએ સીસીટીવી ફુટેજ સાથે તે દાવાઓને ખોટા ઠેરવ્યા હતા.

Previous articleઐતિહાસિક લોડ્‌ર્ઝમાં આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ
Next articleકોવિશીલ્ડ અને કોવેક્સીનની મિક્સ ડોઝની સ્ટડીને DCGIએ મંજૂરી આપી