સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત, સ્ટોલના લીધે થયો ટ્રોલ

412

મુંબઈ,તા.૧૨
ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧ના ૪૯ કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનારી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ સાથે બુધવારે બોલિવુડ એક્ટર સલમાન ખાને મુલાકાત કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. ’સુલતાન’ એક્ટરે તેના સો.મીડિયા હેન્ડલ પર તસવીર શેર કરી હતી, જેમાં તે મીરાબાઈને ભેટતો જોવા મળ્યો હતો. આ સિવાય તેણે કેપ્શનમાં સિલ્વર મેડલ જીતવા બદલ મીરાબાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ સાથેની તસવીરમાં સલમાન ખાને લખ્યું હતું, ’સિલ્વર મેડાલિસ્ટ જ્રમીરાબાઈચાનુ તારા માટે ખુશ છું… તારી સાથે મુલાકાત કરીને ગમ્યું… હંમેશા માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ’. તસવીરમાં સલમાન ખાને બ્લેક ટી-શર્ટ અને ગળાની ફરતે સ્ટોલ નાખ્યો હતો. તો મીરાબાઈએ પિંક ટી-શર્ટ પહેર્યું હતું અને કેમેરાની સામે જોઈને સ્મિત આપી રહી હતી. ૫૫ વર્ષના બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને આ તસવીર ટિ્‌વટર હેન્ડલ પર પણ શેર કરી. જેને મીરાબાઈએ રિ-ટ્‌વીટ કરી હતી અને લખ્યું હતું, ’આભાર @Beingસલમાનખાન સર. હું તમારી મોટી ફેન છું અને મારા માટે તે સપનું પૂરું થવા સમાન હતું’. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં પણ મીરાબાઈએ સ્વીકાર્યું હતું, તે સલમાન ખાનની ફેન છે. સલમાન ખાને જે સ્ટોલ પહેર્યો હતો, તેના પર કાળિયાર દોરેલુ હતું અને તે જોઈને લોકો હસ્યા વગર રહી શક્યા નહીં. એક યૂઝરે લખ્યું, ’બીજુ બધું બાજુ પર મૂકો, હું મારી આંખો કાળિયાર પરથી હટાવી શકતો નથી’. સ્ટોલ પર જે પ્રાણી છે તે કાળિયાર છે કે હરણ તે સ્પષ્ટ થઈ રહ્યું નથી. જો કે, લોકો ’ભાઈજાન’ની મજાક કરવાની તક હાથમાંથી જવા દેવા માગતા નથી. એક યૂઝરે લખ્યું, ’આજે સલમાન ખાન મીરાબાઈ ચાનુને મળ્યો અને કોઈએ કાળિયારને લઈને તેની સાથે પ્રેંક કર્યો. અન્ય યૂઝરે લખ્યું, ’કાળિયાર પ્રેમી સલમાન ખાન’. આ સિવાય એકે લખ્યું, ’સલમાન ખાનના સ્ટોલ પર કાળિયાર દોરેલો છે. કેવો સંયોગ કહેવાય’.

Previous articleરાની મુખર્જીએ હાર્દિક પંડ્યા-દિશા પટણીની પાડોશમાં ખરીદ્યો ફ્લેટ
Next articleઅભિનેતા સની દેઓલ ૨૪ વર્ષ બાદ પૂજા ભટ્ટ સાથે અભિનય કરશે