દુનિયાના ૧૦૦ ધનિકોમાં ડીમાર્ટના રાધાકિશન સામેલ

136

દામાણીની નેટવર્થ ૧૯.૨ અબજ ડોલર એટલે કે ૧.૪ લાખ કરોડ રુપિયા પર પહોંચી ગઈ, ૯૮મા સ્થાન પર
મુંબઈ, તા.૧૯
ડીમાર્ટના પ્રમોટર રાધાકિશન દામાણીએ દુનિયાના ૧૦૦ ટોચના ધનિકોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડીમાર્ટના શેર્સના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી દામાણીની નેટવર્થ ૧૯.૨ અબજ ડોલર એટલે કે ૧.૪ લાખ કરોડ રુપિયા પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં તેઓ હાલ ૯૮મા સ્થાન પર છે. ગત વર્ષે માર્ચમાં તેમની નેટવર્થ ૧૨ બિલિયન ડોલર હતી, જેમાં ૧૮ મહિનામાં ૭ અબજ ડોલર એટલે કે ૫૦ હજાર કરોડનો જંગી વધારો થયો છે. દામાણી હાલ ડીમાર્ટમાં ૭૪.૯ ટકા હિસ્સો ધરાવે છે. નિયમો અનુસાર, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો ૭૫ ટકાથી વધુ ના હોવો જોઈએ. આ નિયમનો ભંગ ના થાય તે રીતે દામાણીએ તેમાં ૭૪.૯ ટકા હિસ્સો રાખ્યો છે. આ સિવાય દામાણી ઈન્ડિયા સિમેન્ટ્‌સમાં ૧૧.૩ ટકા, વીએસટી ઈન્ડસ્ટ્રીઝમાં ૨૬ ટકા, સુંદરમ ફાઈનાન્સમાં ૨.૪ ટકા તેમજ અન્ય કંપનીઓમાં પણ હિસ્સો ધરાવે છે. છેલ્લા ૧૮ મહિનામાં ડીમાર્ટનું સંચાનલ કરતી એવેન્યુ સુપરમાર્ટના શેરમાં ૬૪ ટકાનો ઉછાળો આવ્યો છે. બુધવારે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર ૩,૬૫૨ રુપિયાની સપાટી પર હતો. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં માર્ચ ૨૦૨૦માં જે કડાકો બોલાયો હતો, તે દરમિયાન આ શેર ૧૮૦૦ રુપિયા પર આવી ગયો હતો. ત્યારથી અત્યારસુધી તેમાં ૧૦૦ ટકાથી વધુ ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. વળી, ડીમાર્ટના બિઝનેસમાં પણ આ ગાળા દરમિયાન ઉછાળો નોંધાયો છે. ડીમાર્ટના સ્ટોર્સ તો સારો બિઝનેસ કરી જ રહ્યા છે, પરંતુ તેની સાથે તેની ઓનલાઈન સર્વિસને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ડીમાર્ટ ઓનલાઈન કરિયાણું વેચવામાં મોટી-મોટી કંપનીઓને પણ તગડી હરિફાઈ પૂરી પાડી રહી છે તેવું બ્રોકિંગ હાઉસના રિપોર્ટ જણાવી રહ્યા છે. કંપની પોતાના સ્ટોર્સમાં વેચાતી વસ્તુઓની કિંમત નક્કી કરવાનો પણ પાવર ધરાવે છે. ગોલ્ડમેન સેચ્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, એફએમસીજી પ્રોડક્ટ્‌સના પ્રાઈસિંગ ડેટામાં ડીમાર્ટ અને જિયોમાર્ટ વચ્ચે તગડી સ્પર્ધા છે. બિગ બાસ્કેટની સરખામણીએ ડીમાર્ટ સ્પર્ધાત્મક દરો પર માલ વેચે છે, વળી બંને વચ્ચેનો તફાવત પણ ખૂબ જ વધી ગયો છે.

Previous articleઆજે પીએમ સોમનાથમાં : પાર્વતી માતાજીના મંદિરનો કરશે શિલાન્યાસ
Next articleમ.પ્રદેશના પાતાળકોટમાં કોરોનાનો એક પણ કેસ નથી