રોહિત વ્હાઇટબોલ ટીમનો સુકાની બનશે

19

મુંબઈ, તા.૧૬
રોહિતે પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને ૧૫ ટી૨૦ મેચ જીતાડી છે અને તે શોર્ટેસ્ટ ફોર્મેટમાં ભારતનો ત્રીજો સૌથી સફળ સુકાની છે. એમએસ ધોનીએ ભારતને ૪૧ મેચમાં તથા કોહલીએ ૨૭ મેચમાં વિજય અપાવ્યો હતો. રોહિતે અત્યાર સુધીમાં ૧૯ ટી૨૦ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને ચાર મેચમાં તેને પરાજય મળ્યો હતો. વન-ડેમાં રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારતે ૧૦માંથી આઠ મેચ જીતી હતી અને બેમાં હાર મળી હતી. રોહિતે ૨૦૧૮ના એશિયા કપમાં ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી.ભારતીય સુકાની વિરાટ કોહલી આઇસીસી ટી૨૦ વર્લ્‌ડ કપ બાદ ટી૨૦ અને વન-ડે ટીમની કેપ્ટનશિપ છોડશે તેવા સંકેત મળ્યા છે. તેના સ્થાને સિનિયર ઓપનર રોહિત શર્માને સુકાની બનાવવામાં આવી શકે છે. કોહલી હાલમાં ત્રણેય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે જેના કારણે છેલ્લા કેટલાક સમયથી તેની બેટિંગ પ્રભાવિત થઇ છે. પોતાની બેટિંગ ઉપર ફોકસ કરવા કોહલી આ મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. કોહલીએ રોહિત અને ટીમ મેનેજમેન્ટ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ આ મુદ્દે લાંબી વાટાઘાટ કરી હતી. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી જાતે જ આ નિર્ણયની જાહેરાત કરશે. તેનું માનવું છે કે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન બનવા માટે તેણે પુનરાગમન કરવાની જરૃર છે. યુએઇ ખાતે આગામી મહિને રમાનારા ટી૨૦ વર્લ્‌ડ કપ ઉપરાંત આગામી બે વર્ષમાં વર્લ્‌ડ કપ રમાવાના છે. ૨૦૨૨માં ટી૨૦ વર્લ્‌ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે અને ત્યારબાદ ૨૦૨૩માં ભારત વન-ડે વર્લ્‌ડ કપની યજમાની કરવાનું છે. આ સ્થિતિમાં રોહિતને ટીમ સાથે પૂરી રીતે તૈયાર કરવાનો પૂરતો સમય મળી જશે અને આ કારણથી તેને શક્ય બને તેટલો જલદીથી સુકાની બનાવવાની કવાયત શરૃ થઇ ચૂકી છે.