ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ સહિત ૨૪ મંત્રી સામેલ

98

વિરોધ, વિવાદ અને નારાજગી વચ્ચે રાજ્ય મંત્રીમંડળની શપથવીધિ : દક્ષિણ ગુજરાતનો દબદબો, કચ્છની બાદબાકી, નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા વિજય રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું
ગાંધીનગર, તા.૧૬
વિરોધ, વિવાદ અને નારાજગીના સમાચારો વચ્ચે આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ ૨૪ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી ૧૦ મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર ૩ રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું. આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલ નારાજ છે, અને કોઈના સંપર્કમાં નથી તેવી અટકળો વચ્ચે તેમણે શપથગ્રહણ સમારંભમાં દેખા દેતા ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. આમ તો શપથવિધિ ગઈકાલે સાંજે ચાર વાગ્યે થવાની હતી. પરંતુ તમામ જૂના મંત્રીઓને પડતા મૂકવાના હોવાની વાત વહેતી થતાં ભાજપમાં અસંતોષ ફેલાયો હતો. કેટલાક પૂર્વ મંત્રીઓએ પૂર્વ સીએમ રુપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેવામાં રાજભવનમાં તમામ તૈયારી થઈ ગયા બાદ અચાનક શપથવિધિનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હતો.ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર સીએમ જ નથી બદલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.જે ધારાસભ્યો મંત્રીપદે શપથ લેવાના છે તે તમામને ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી હતી. એક તરફ રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા મંત્રીઓના પત્તાં કપાતાં ત્યાં નારાજગી જોવા મળી રહી છે, તો બીજી તરફ જેઓ મંત્રી બનવાના છે તેમના પરિવારજનો અને સમર્થકોમાં જોરદાર ખુશીનું મોજું ફરી વળ્યું છે. શપથવિધિ પૂર્ણ થયા બાદ કમલમમાં પણ ઉજવણીની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. ફટાકડાં અને મીઠાઈનો જથ્થો પણ પહોંચાડી દેવાયો છે. નવા મંત્રીઓનું કમલમમાં સ્વાગત કરવામાં આવશે. સોમવારે સીએમ પદના શપથ લેનારા ભૂપેન્દ્ર પટેલની ટીમના આજે શપથગ્રહણ. રાજભવનમાં શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલના પુરોગામી વિજય રુપાણીના મંત્રીમંડળમાં રહેલા એકેય મંત્રીને ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ના લેવાયા. તમામ નવા ચહેરા સાથે આજે નવું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે. પોતાનું પત્તું કપાતાં ભાજપના ઘણા પૂર્વ મંત્રીઓ નારાજ હતા, જોકે મોટાભાગના મંત્રીઓને મનાવી લેવાયા છે. પરંતુ ક્યાંક-ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે.