નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

125

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી, તળાજા ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા તથા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી, યોજનાઓની સહાય અંગે વગેરે બબતોને લગતાં પ્રશ્નો પરત્વે નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી બી. જે. પટેલે જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવાં સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં શિહોર હોસ્પિટલની જમીન સંપાદન કરવાની, તળાજામાં બાકી વીજળીના થાંભલાં ઉભાં કરવાની, ગારીયાધારના પરવડીના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની, ગારીયાધાર- અમદાવાદ એસ.ટી. બસ ચાલું કરવાની, જેસરના કરલાં, ઇંટીયા, કોલાડીયા ગામોમાં સત્વરે પીવાના પાણીની સગવડ ઉભી કરવાં સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં અધિક નિવાસી કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે છન (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પદાધિકારીઓ તેમજ મદદનીશ કલેક્ટર પુષ્પ લત્તા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.કે.પટેલ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleબોરતળાવની સપાટી ૪૦ ફુટ નજીક
Next articleભાવનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અચાનક આવી ચડતા રાજકારણ ગરમાયુ