ડિવોર્સ અંગે સવાલ પૂછાતાં અભિનેત્રી સામંથા ભડકી

44

મુંબઈ,તા.૨૦
તેલુગુ સુપરસ્ટાર સામંથા અક્કિનેની છેલ્લા થોડા દિવસોથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. અટકળો લાગી રહી છે કે, સામંથા અને તેના પતિ નાગા ચૈતન્યના સંબંધોમાં તિરાડ પડી છે. સામંથાએ સોશિયલ મીડિયા પરથી પતિની સરનેમ અક્કિનેની હટાવી લેતાં માત્ર પોતાના નામનો શરૂઆતનો અક્ષર એસ રાખ્યો ત્યારે કપલના સંબંધો વણસ્યા હોવાની વાતને વેગ મળ્યો હતો. સામંથા અને નાગા ચૈતન્યના સંબંધને સુધારવા માટે એક્ટરના પિતા અને સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અક્કિનેની મધ્યસ્થી કરી રહ્યા હોવાના સમાચાર પણ હતા. ત્યારે હાલમાં જ સામંથા એકલી તિરુમાલા મંદિર ખાતે દર્શન કરવા આવી હતી. આ દરમિયાન એક રિપોર્ટરે સામંથાને પતિ સાથેના મતભેદો અંગે સવાલ પૂછી લીધો. ત્યારે એક્ટ્રેસ ચીડાઈ ગઈ અને તેણે તેલુગુમાં કહ્યું- ’ગુડિકિ વંચનુ, બુદ્ધિ ઉંડા’. જેનો અર્થ થાય છે કે, ’મંદિરમાં આવી છું, તમારામાં સહેજ પણ અક્કલ નથી.’ સામંથાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સામંથા અને નાગા ચૈતન્ય હાલ તો તેમના બગડેલા સંબંધો કે ડિવોર્સ અંગે કશું બોલવા તૈયાર નથી. પરંતુ બંનેના ફેન્સ આ જોડીના છૂટા પડવાના અહેવાલોથી ખૂબ દુઃખી છે. જણાવી દઈએ કે, ૨૦૧૪માં ફિલ્મ ’ઓટોનાગર સૂર્યા’ના શૂટિંગ દરમિયાન સામંથા અને નાગા ચૈતન્ય વચ્ચે નિકટતા વધી હતી. થોડા વર્ષો ડેટિંગ કર્યા બાદ કપલે ૨૦૧૭માં ગોવામાં લગ્ન કર્યા હતા. નાગા ચૈતન્ય અને સામંથાની જોડી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર જોડી પૈકીની એક છે. વર્કફ્રંટની વાત કરીએ તો, સામંથાએ મનોજ બાજપેયીની પોપ્યુલર વેબ સીરીઝ ’ધ ફેમિલી મેન’ દ્વારા ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. હાલ તો સામંથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવા માગે છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સામંથાએ કહ્યું હતું કે, તે છેલ્લા ૧૧ વર્ષથી ફિલ્મો કરી રહી છે માટે જ થોડા મહિનાનો બ્રેક લેવા માગે છે. તો બીજી તરફ નાગા ચૈતન્ય આમિર ખાનની ફિલ્મ ’લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે.