ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામેથી શેત્રુંજી નદી પસાર થાય છે. આ નદી વચ્ચેથી પસાર થતાં રોડ સાથે 25થી વધુ ગામનો સંપર્ક છે. રાજાશાહી વખતના આ રોડપર ઘણા વર્ષોથી લોકો દ્વારા પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ આજદિન સુધી પુલ તો દૂર સારો રોડપણ બનાવવામાં આવ્યો નથી. જેના પરિણામે ચોમાસાના ચાર માસ દરમ્યાન વાહન ચાલકો રાહદારીઓ, ખેડૂતો તથા 500થી વધુ વિદ્યાર્થીઓને ભારે તકલીફો વેઠવી પડે છે. ટીમાણા ગામના રહેવાસી ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, આ નદી ઓળંગીને દરરોજ 500 થી 600 વિદ્યાર્થીઓ ટીમાણા ગામે આવેલી વિવિધ ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે આવે છે, પરંતુ ચોમાસામાં ડેમના દરવાજા ખોલવામાં આવે ત્યારે નદીમાં ભારે પૂર આવી જાય છે, જેથી વિદ્યાર્થીઓને નદી પાર કરવી મુશ્કેલ બની જાય છે અને 25 કિલોમીટર ફરી ફરીને શાળાએ પહોંચવુ પડે છે.

ભાવનગર સહિત અન્ય શહેરોમાંથી બગદાણા ધામે આવતા પદયાત્રીઓ આ જ રોડનો ઉપયોગ કરે છે, આ રોડપરથી પસાર થતી શેત્રુંજી નદી પર પુલ બનાવવાની માંગ ઘણા વર્ષોથી કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ લોક માંગ સંતોષવામાં આવી નથી. ભાજપ સરકાર આજે અંતરીયાળ રોડ રસ્તાઓના કામોને પ્રથમ અગત્યતા આપતી હોય ત્યારે આ નદી પર પુલ તથા સારો રોડ શા માટે નથી બનાવવામાં આવી રહ્યો ? એવાં સવાલો લોક માનસમાં ઉદ્દભવી રહ્યાં છે.પુલ નિર્માણનું કાર્ય હાથ ધરે એવી લોકમાંગ ઘનશ્યામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અને આજે પણ લોકો જીવ જોખમમાં મૂકીને પોતાના જાનમાલ સાથે નદી પાર કરવા મજબૂર છે. અગાઉ નદી પાર કરતાં સમયે અનેક દુર્ઘટનાઓ પણ ઘટી હોવાના અનેક દાખલાઓ મોજુંદ છે. ત્યારે આ બાબતને સરકાર તથા વહિવટી તંત્ર અગત્યતા આપી સત્વરે પુલ નિર્માણનું કાર્ય હાથ ધરે એવી લોકમાંગ પ્રબળ બની છે.
















