વર્લ્ડ ટીબી ડેના દિવસે ભાવનગરમાં ક્ષય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ અધિક કલેક્ટરને આવેદનપત્ર

161

ગુજરાત આર.એન.ટી.સી.પી. કરારબદ્ધ કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈ રજૂઆત કરાઈ
આજે વર્લ્ડ ટીબી ડે છે. ત્યારે આજ ના દિવસે જ ભાવનગરમાં ક્ષય વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાત આર.એન.ટી.સી.પી. કરારબદ્ધ કર્મચારી સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈ આજરોજ અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ગુજરાતમાં 28 માર્ચથી ઓનલાઈન રિપોટિંગ, ક્વાર્ટરલી રિપોટિંગ સહિતની કામગીરી સ્થગિત કરી દેવામાં આવશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. સંઘના પ્રમુખ હેમાંશુ પંડયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં 35 જેટલા ક્ષય વિભાગના કર્મચારીઓ છેલ્લા 15 થી 20 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર છે. ભારત અને ગુજરાત ટીબી મુક્તનાં સ્વપ્નને સાકાર કરવા 1997થી કાર્યરત ક્ષય વિભાગનાં તમામ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ટીબી મુક્ત ભારત કરવું અમારું મહત્વનું યોગદાન છે. ત્યારે સરકાર અમારી રાજૂઆતો પર ધ્યાન આપી અમારા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ છે. અમે એક અલ્ટીમેટમ આપીએ છીએ કે, જાહેર હિત કે દર્દીના હીત સાથે 28 માર્ચથી ઓનલાઈન રિપોટિંગ, ક્વાર્ટરલી રિપોટિંગ સહિતની કામગીરી સ્થગિત કરી દેશું. સમગ્ર ગુજરાતમાં આ કામગીરી સ્થગિત કરી દેવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે, આજે વર્લ્ડ ટીબી ડેના દિવસે ફરી એક વખત અમારી માંગણીઓ સરકાર પાસે કરી રહ્યા છીએ. જેમાં પ્રવર્તમાન આર્થિક પરિસ્થીતીને ધ્યાને લઇ ક્ષય વિભાગનાં તમામ કરારબદ્ધ કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવે, ઇપીએક-જીવન વિમો, અકસ્માત વિમો જેવી બાબતોથી સુરક્ષીતના આપવામાં આવે, કવોઝી પરમેનેન્ટ જેવી RNTCP-NTEPની તમામ કેડરો અને કેડરોની કામગીરી આવક સેવાઓ હેઠળની હોઇ તમામને કાયમી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
આ ઉપરાંત કર્મીઓની વર્ષોની સેવાને ધ્યાને લઇ “શારીરીક અક્ષમતા કે વયમર્યાદાનાં કારણોસર” સેવામુકત થતા કરારી કર્મીને યોગ્ય કમ્પેન્સેશન આપવાની જોગવાઈ કરવામાં આવે, ટીબી મુકત ગુજરાત માટે સખત મહેનત અને પાયાની કામગીરી સાથે સંકળાયેલા ટીબી એચવી કેડરને પેટોલ એલાઉન્સ આપવામાં આવે અને વહેલા નિદાન સાથે ઝીણવટભરી રીતે સંકળાયેલ કેડર STLSની જગ્યામાં વધારો કરવામાં આવે, અમદાવાદ BJMC-DTC Ahmedabad Rural ખાતે કરજ બજાવતા લેબ.ટેક.રોનકબેન સુરેશભાઇ ખંડવીનુ ચાલુ ફરજે કોરોનાકાળમાં તા.29-4-2021 ના રોજ મૃત્યુ થયું હતું, જેના પરીવારને આજ સુધી સરકારે જાહેર કરેલી 25 લાખની સહાય અપાઇ નથી સહિતના પ્રશ્નોને લઈ આજરોજ ભાવનગર અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર વેળાએ સંઘના પ્રમુખ હેમાંશું પંડયા, હનીફ કુરેશી સંઘ સેક્રેટરી, સુરેશ પરમાર જિલ્લા સંઘપ્રમુખ, પ્રકાશ રાઠોડ જિલ્લા સંઘસભ્ય, ભરત જોષી જિલ્લા સંઘ સભ્ય સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરની યુથ હોસ્ટેલ દ્વારા “પોળોના જંગલમાં” બે દિવસીય ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું
Next articleબોટાદ પોલીસના “દાદા-દાદીના દોસ્ત” અભિયાનની ફોરમ પહોંચી અમેરીકા સુધી