રાજા રવિ વર્મા પુસ્તક લખનાર ભાવનગર જિલ્લાના પરવડી ગામના અધ્યાપકને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો

63

રાજા રવિ વર્મા અને તેમના જીવનચરિત્ર તેમજ કાર્યને યથોચિત રીતે ઉજાગર કરવા બદલ એવોર્ડ અપાયો : સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે
ભાવનગર જિલ્લાના પરવડી ગામના ગુજરાતીના અધ્યાપક ભરત વલ્લભભાઈ ખેનીને આ વર્ષ તેમનું શ્રેષ્ઠ પુસ્તક ‘રાજા રવિ વર્મા’ માટે નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા ભરત ખેનીને ગુજરાતી વિષયમાં તેઓના શ્રેષ્ઠ પુસ્તક ‘રાજા રવિ વર્મા’ જીવનચરિત્રને રાજા રવિ વર્મા અને તેમના જીવનચરિત્ર તેમજ કાર્યને યથોચિત રીતે ઉજાગર કરવા બદલ નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કરાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતી કવિયત્રી યામિનીબેન વ્યાસ દ્વારા કરાયું હતું, જેમાં પ્રજ્ઞાબેન વશીએ લેખક ભરત ખેનીનો ટૂંકો પરિચય આપ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની ઓનલાઈન હાજરીમાં વર્ષ ૨૦૧૯-૨૧નો જીવનચરિત્ર અંગેનો પ્રતિષ્ઠિત પુરસ્કાર “નર્મદ સુવર્ણચંદ્રક” ભરત ખેનીને અર્પણ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે નરેશ કાપડીઆ દ્વારા મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા અંગે દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બાદમાં ભરત ખેનીએ પોતે લખેલી કૃતિ અંગેની કેફિયત રજૂ કરી હતી.નર્મદ ગોલ્ડ મેડલ એ ગુજરાત, ભારતનું એક સાહિત્યિક સન્માન છે. સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત સંસ્થા દ્વારા આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને ચંદ્રક એનાયત કરવામાં આવે છે.અંતે પ્રમુખ અને આ ચંદ્રકના નિર્ણાયક ડો.પ્રફુલ્લ દેસાઇ દ્વારા પુરસ્કૃત પુસ્તકનો સવિશેષ પરિચય અપાયો. સમાપન વિધિ સંસ્થાના ઉપપ્રમુખ બકુલેશ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોલેજના અધ્યાપકો, કવિઓ, મહાનુભાવો અને ગુજરાતી સાહિત્યના રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમોંઘવારી-બેરોજગારી સહિતના પ્રશ્ને સીપીએમના દેખાવો યોજાયા
Next articleકરણની પાર્ટીમાં તૂટ્યા રાની અને ઐશ્વર્યાનાં અબોલા!