મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આદિત્ય બિરલા ગૃપના સાહસ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્યમાં ૩પ૦૦ કરોડના અંદાજીત રોકાણથી એલ્યુમિનીયમ એકસટ્રુઝન પ્લાન્ટ અને રિસાયકલીંગ ફેકટરી માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એલ્યુમિનિયમ એકસટ્રુઝન પ્લાન્ટ માટે બે તબક્કામાં અંદાજિત ર૦૦૦ કરોડનું રોકાણ તેમજ વાર્ષિક ૧.પ૦ લાખ ટન ઉત્પાદન કરવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. એલ્યુમિનિયમ રિસાયકલીંગ ફેકટરી માટે ત્રણ તબક્કે ૧૫૦૦ કરોડના રોકાણ સાથે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલીટી દ્વારા વાર્ષિક ૩ લાખ ટન એલ્યુમિનિયમ રિસાયકલીંગની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમક્ષ હિન્ડાલ્કોના પ્રતિનિધિઓએ આ રોકાણથી રાજ્યમાં ત્રણ હજારથી વધુ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીની તકોનું નિર્માણ થશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હિન્ડાલ્કો ના આ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાનારા પાણી માટે ડિસેલીનેશન પ્લાન્ટની સ્થાપના રાજ્ય સરકાર સાથે પીપીપી મોડેલ પર કરવાની દિશામાં વિચાર-વિમર્શ કર્યો હતો.
તેમણે રાજ્ય સરકારની સકારાત્મક અને પ્રોત્સાહક નીતિઓને પરિણામે ગુજરાત ઊદ્યોગકારો માટે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે તેની પણ ભૂમિકા આપી હતી. રાજ્ય સરકાર વતી ઊદ્યોગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમકે દાસ તથા હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ તરફથી મેનેજિંગ ડિરેકટર સતીષ પાઇએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ વેળાએ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝના સિનિયર પ્રેસિડેન્ટ અરૂણકુમાર અને જોઇન્ટ પ્રેસિડેન્ટ સંદીપ રોય પણ ઉપસ્થિત રહ્યા હતા.



















