મોખરાની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું હતું કે કેન્સર વિશે આપણા સમાજમાં ઘણી ગેરસમજો પ્રવર્તે છે. વાસ્તવમાં કેન્સરના ડરથી વધુ લોકો મરી જાય છે. કેન્સર હવે અસાધ્ય રોગ રહ્યો નથી.
ખુદ ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. ઐશ્વર્યાએ કહ્યું, આજે ઇન્ટરનેટના જમાનામાં પણ ઘણા લોકો માને છે કે કેન્સર ચેપી રોગ છે. એકનો ચેપ બીજાને લાગે છે. હકીકતમાં આ વાત સાવ ખોટી છે. ઘણા લોકો એમ પણ માને છે કે કેન્સર જીવલેણ છે. વાસ્તવમાં સમયસર નિદાન થઇ જાય અને યોગ્ય સારવાર લેવામાં આવે તો કેન્સર જીવલેણ નીવડતો નથી.’ પિતાના અવસાન પછી ઐશ્વર્યા કેન્સર સામે જનજાગૃતિના કામમાં લાગી ગઇ હતી.
મહિલાઓમાં થતા કેન્સર વિશેના એક ઇવેન્ટમાં ઐશ્વર્યા બોલી રહી હતી. એણે કહ્યું કે આ બીમારી વિશે સાચી વાતો લોકો સુધી પહોંચે એવા અમારા પ્રયાસો રહ્યા છે. ખોટી માહિતી કે ગેરસમજના કારણે વધુ લોકો હેરાન થતા હોય છે.
એણે ઉમેર્યું હતું કે દરેક મહિલાને સમયસર નિદાન કરાવવાનો અધિકાર છે અને એકવાર નિદાન સમયસર થઇ જાય તો સારવાર હાથવગી છે. પહેલાં જેવું રહ્યું નથી. તબીબી વિજ્ઞાાને જબરદસ્ત પ્રગતિ કરી છે અને એનોે લાભ મહિલાઓને મળવો જોઇએ. કેન્સર વિશે સાચી સચોટ માહિતી મહિલાઓને સહેલાઇથી ઉફલબ્ધ થવી જોઇએ.

















