વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલા સુસેન સર્કલ પાસે ખાખી વર્દીના નશામાં કાર ચાલક એસ.આર.પી. જવાને ઓટો રિક્ષા ચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. ઓટો રિક્ષા પાછળ કાર અથડાતા કાર ચાલકે ઓટો રિક્ષા ચાલકને જાહેરમાં માર માર્યો હતો. જેથી સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો.
આ બનાવ અંગે ઓટો રિક્ષા ચાલક પ્રવિણભાઇ ઝવેરભાઇ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના અલવાનાકા પવનદૂત નગરમાં પરિવાર સાથે રહું છું. અને ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. સવારે મારી રિક્ષા લઇને સુસેન-તરસાલી રોડ તરફ જતો હતો. તે સમયે સુસેન સર્કલ પાસે રિક્ષા લઇને ઉભો હતો, ત્યારે પાછળથી આવેલી કારે મારી રિક્ષાને ટક્કર મારી હતી. હું રિક્ષામાંથી ઉતરીને જોવું તે પહેલાં જ કારમાંથી પોલીસ ડ્રેસમાં આવી પહોંચેલા યુવાને મને લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. મને માર મારનાર પોલીસ એસ.આર.પી. જવાન હતો.
દરમિયાન આ અંગેની જાણ મે ૧૦૦ નંબર ઉપર પોલીસ કંટ્રોલમાં કરતા પોલીસ આવી પહોંચી હતી. અને પોલીસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ છે.
જ્યાં હું પોલીસ ફરિયાદ કરીશ. બીજી બાજુ આ બનાવની જાણ અન્ય રિક્ષા ચાલકોને થતાં રિક્ષા ચાલકો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. અને ખોટી રીતે રિક્ષા ચાલક પ્રવિણભાઇને માર મારનાર એસ.આર.પી. જવાન સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.


















